નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએ (AISAS)ની પ્રમુખ નેહા બોરાએ કોકરોચ જનતા પાર્ટી (CJP)થી પોતાને અલગ કર્યાના સંકેત આપ્યા છે. તેમણે કનોટ પ્લેસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે કોઈની મંજૂરીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
નેહા બોરાએ દિલ્હી પોલીસની નોટિસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી. સુનાવણી દરમિયાન તેમણે કનોટ પ્લેસમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનોથી પોતાને અલગ ગણાવ્યા હતા. તેમના વકીલ ગોપાલ શંકરનારાયણે કોર્ટને જણાવ્યું કે, લોકશાહીમાં સરકારના કાર્યોનો વિરોધ કરવાનો અધિકાર છે અને તેનાથી લોકશાહી મજબૂત બને છે. તેમણે એમ પણ કહ્યું કે નેહા બોરાએ ક્યારેય હિંસા માટે ઉશ્કેરણી કરી નથી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ન્યાયાધીશે નિરીક્ષણ કર્યું કે નેહા બોરાની પહેલેથી જ 'બેડ બોય'ની છબી બનાવવામાં આવી છે અને હવે તેમને સારા વર્તનનું વચન આપવા કહેવામાં આવે છે. સરકાર તરફથી એએસજી ચેતન શર્માએ દલીલ કરી કે છ એફઆઈઆરનો સામનો કરી રહેલી વ્યક્તિને 'દૂધની ધોયેલી' કેવી રીતે માની શકાય. કોર્ટે સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો છે.
આ દરમિયાન, કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીમાં સતત વિરોધ પ્રદર્શન કરીને પોલીસ અને લોકોને મુશ્કેલીમાં મૂકવાના આરોપસર કોકરોચ જનતા પાર્ટીના સહસંયોજક સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલીઓ વધી છે. સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે દાસ અને રાંકા તથા તેમને જામીન આપનારા બે જમાનતીઓને શુક્રવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. દિલ્હીમાં દાસ અને રાંકાના જામીન થવા કોઈ તૈયાર થયું નહોતું. સૌરવ દાસ માટે ગાઝિયાબાદના રહેવાસી પ્રોફેસર અને રાંકા માટે તેમની પત્ની જામીન બન્યા હતા. બુધવારે જામીન પર બહાર આવતાં જ ક્રાઈમ બ્રાન્ચે બંનેને પોતાના કેસમાં તપાસ માટે નોટિસ પકડાવી દીધી હતી. આમ, જામીન પર છૂટયા પછી પણ બંનેની મુશ્કેલી વધી છે.