નેટ-યુજી 2026 પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારા માટે દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, તે પોતે NTAની કાયમી ઓફિસ પર જઈને તપાસ કરશે કે ત્યાંની વ્યવસ્થા ખરેખર કાર્યરત છે કે નહીં.
જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, NTAમાં સુધારા માટે રચાયેલી સમિતિની ભલામણો ફક્ત કાગળો અને રિપોર્ટ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. તેમણે કહ્યું, 'અમે પોતે NTAની કાયમી ઓફિસ જઈને જોઈશું કે ત્યાં સિસ્ટમ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં, તે કેવી રીતે કામ કરે છે, ત્યાં કેટલો મેનપાવર છે અને બાકીની વ્યવસ્થા કેવી છે.'
કોર્ટે હાઈ-પાવર કમિટી સાથે સંકલન કરી રહેલા જોઈન્ટ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ સમિતિ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સુધારા અને પ્રગતિનો વિસ્તૃત એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે.
સુપ્રીમ કોર્ટે NTAને આદેશ આપ્યો છે કે, સુધારા અને પ્રગતિની માહિતી ધરાવતું આ એફિડેવિટ તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ, રાજ્ય સરકારો અને વકીલો NTAમાં સુધારા અંગેના પોતાના સૂચનો નિર્ધારિત ઈમેલ આઈડી પર મોકલી શકશે.
સર્વોચ્ચ અદાલતે NTA અને સંબંધિત પક્ષકારોને નવો અને અપડેટ થયેલો સ્ટેટસ રિપોર્ટ કે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, નવું એફિડેવિટ રેકોર્ડ પર આવ્યા બાદ જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.