અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર ગંભીર આરોપો લાગ્યા છે. યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો અને અધિકારીઓને બોનસ કે પ્રોત્સાહક ભથ્થાના નામે મંજૂરી વગર મનસ્વી રીતે નાણાં ચૂકવવામાં આવ્યા હોવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, વ્યક્તિદીઠ 10 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવી હતી.
આ મામલે એપ્રિલ 2025માં શૈક્ષણિક સંઘે પણ વગર મંજૂરીએ થયેલી ચૂકવણી અંગે સવાલો ઉઠાવ્યા હતા. વિવાદ સામે આવ્યા બાદ યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
અગાઉ ગેરકાયદે રીતે મળતિયાઓને મોટા પગારે નોકરી આપવાના આરોપ બાદ હવે સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ દરમિયાન બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદવાનો આરોપ પણ લાગ્યો છે. 23 એપ્રિલ 2023ના રોજ અમેરિકા જતી વખતે દુબઈ એરપોર્ટ પર હોલ્ટ દરમિયાન ડ્યૂટી ફ્રીમાંથી અંગત વપરાશ માટે લિપસ્ટિક, બ્યૂટી લાઈનર સહિતની વસ્તુઓ ખરીદવામાં આવી હોવાની રિસિપ્ટ સામે આવી છે. 386 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 3,300 રૂપિયાની આ ખરીદી યુનિવર્સિટીના ફંડમાંથી કરવામાં આવી હોવાનો આરોપ છે.
અન્ય એક મામલામાં, નીરજા ગુપ્તાએ PMJVK અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટની 14 કરોડ રૂપિયાથી વધુની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે પરત કરી છે. આ રકમ અંગત ખાતામાં જમા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર (PI) તરીકે ચાલુ હતા.
ઇન્ચાર્જ કુલપતિના જણાવ્યા મુજબ, નીરજા ગુપ્તાએ 11 ઓગસ્ટે PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું છે. જોકે, તેઓ હજુ પણ IDSRના બ્રેઈન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટમાં PI તરીકે ચાલુ છે, જ્યારે રજિસ્ટ્રાર પિયુષ પટેલ સહ-PI છે. બ્રેઈન મેપિંગ લેબ પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાએ 24.98 લાખ અને પિયુષ પટેલે 3.20 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ બંને પ્રોજેક્ટમાં પણ PMJVKની જેમ નીરજા ગુપ્તાએ પોતાની જાતે નિમણૂક કરી હોવાનું સામે આવ્યું છે.