5 સપ્ટેમ્બર 1986ની સવાર. પાકિસ્તાનના કરાચીના જિન્નાહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સ 'પાન એમ'નું બોઇંગ 747 વિમાન ઊભું હતું. આ વિમાન મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહ્યું હતું, જેનો રૂટ કરાચી અને જર્મનીના ફ્રેન્કફર્ટ થઈને પસાર થવાનો હતો. વિમાનમાં સિનિયર પર્સર તરીકે 22 વર્ષની નીરજા ભનોત ફરજ બજાવી રહી હતી. તેનો 23મો જન્મદિવસ બે દિવસ પછી, 7 સપ્ટેમ્બરે હતો અને તે જ દિવસે ક્રૂ મુંબઈ પાછું ફરવાનું હતું.
ત્યાં અચાનક કરાચી એરપોર્ટ પર બે ઓટોમેટિક રાઇફલથી સજ્જ આતંકીઓ ધસી આવ્યા અને પેન એમના વિમાનમાં ઘૂસીને એરહોસ્ટેસને બંદૂકના નાળચે પકડી લીધી. થોડી જ ક્ષણોમાં આખું વિમાન હાઇજેક કરી લેવામાં આવ્યું. વિમાનના દરવાજા પર આતંકી એરહોસ્ટેસના ગળે હાથ નાખીને ઊભો હતો. બહારથી કરાચીથી નવા મુસાફરોને લઈને આવેલી છેલ્લી બસ વિમાન પાસે આવી પહોંચી. જેવા મુસાફરો સીડી ચઢવા લાગ્યા, ત્યાં જ તેમણે આતંકીને જોયો અને બસમાં ચીસો ગુંજી ઊઠી. ડ્રાઇવરે તરત જ બસને યુ-ટર્ન મારીને ટર્મિનલ તરફ દોડાવી મૂકી. તે બસમાં બેઠેલા મુસાફરો નસીબદાર હતા, કારણ કે આગામી 17 કલાકમાં તે જ વિમાનમાં 20 લોકો માર્યા જવાના હતા અને 100થી વધુ ઘાયલ થવાના હતા.
આ હુમલામાં 22 વર્ષની પર્સર નીરજા ભનોતે એવો નિર્ણય લીધો, જેણે તેને ભારતની સૌથી બહાદુર નાયિકા બનાવી દીધી. તેણે 359 મુસાફરોના જીવ બચાવ્યા અને પોતે શહીદ થઈ ગઈ.
નીરજાનો જન્મ 7 સપ્ટેમ્બર 1963ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેના પિતા હરીશ ભનોત મુંબઈના પત્રકાર હતા, જેમણે 30 વર્ષથી વધુ સમય 'હિન્દુસ્તાન ટાઇમ્સ' માટે કામ કર્યું હતું. માતાનું નામ રમા ભનોત હતું. નીરજાને બે ભાઈઓ અખિલ અને અનિશ હતા. પરિવાર મુંબઈ શિફ્ટ થયા પછી, નીરજાએ બોમ્બે સ્કોટિશ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. માત્ર 18 વર્ષની ઉંમરે તે મોડલિંગ કરવા લાગી અને અમૂલ, ગોદરેજ, પારલે, બિનાકા, વિક્સ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સની ચહેરો બની ગઈ. કેટલાંય મેગેઝિન્સના કવર પર તેનો ચહેરો છપાયો હતો.
1985માં નીરજાએ ઉદ્યોગપતિ નરેશ મિશ્રા સાથે લગ્ન કર્યાં, પરંતુ ઘરેલુ હિંસાને કારણે તેણે ટૂંક સમયમાં જ છૂટાછેડા લઈ લીધા અને પોતાના ઘરે પાછી આવી ગઈ. તે જ વર્ષે અમેરિકન એરલાઇન્સ પાન એમે ફ્રેન્કફર્ટથી ભારતની ફ્લાઇટ્સ માટે ઓલ-ઇન્ડિયન કેબિન ક્રૂ રાખવાનું નક્કી કર્યું. નીરજાએ અરજી કરી અને તેની પસંદગી થઈ ગઈ. ટ્રેનિંગ માટે તે અમેરિકાના માયામી ગઈ અને ફ્લાઇટ પર્સર તરીકે તેનું નવું કરિયર શરૂ થયું. પોતાના કામમાં નીરજા એટલી હોનહાર હતી કે નવથી દસ મહિનામાં જ તેને સિનિયર ફ્લાઇટ પર્સર બનાવી દેવામાં આવી.
આતંકી હુમલા દરમિયાન નીરજાએ શાંતિથી મુસાફરોને સૂચનાઓ આપી, તેમને બચાવવાના પ્રયત્નો કર્યા અને અંતે પોતે ગોળી વાગતાં શહીદ થઈ. તેની વીરતાને યાદ કરીને ભારત અને પાકિસ્તાન બંનેએ તેને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે. નીરજા ભનોતની કહાણી આજે પણ દેશભક્તિ અને માનવતાનું પ્રેરક ઉદાહરણ છે.