ભારતીય પેરા એથ્લેટિક્સ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ત્રણ વખત એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ યાદવનું 42 વર્ષની વયે અવસાન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે દિલ્હીમાં પોતાના ઘરે ઝેર ખાધું હતું. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જોકે, મોતના ચોક્કસ સંજોગો અંગે તપાસ ચાલુ છે.
ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “નીરજે જીવન ટૂંકાવ્યું, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”
એવું મનાય છે કે તાજેતરમાં ડોપિંગ સસ્પેન્શનને કારણે નીરજ ચાલુ મહિને આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. આ કારણે તેઓ ભાવનાત્મક અને માનસિક તણાવમાં હોવાનું જણાવવામાં આવે છે. જોકે, તેમના આત્મઘાતી પગલાં પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
હેડ કોચ સત્યનારાયણે જણાવ્યું કે તેઓ કારણો અંગે અટકળો નહીં લગાવે. તેમણે ઉમેર્યું કે ખેલાડીએ સફળતા અને નિષ્ફળતા બંનેને સંતુલિત મનથી સ્વીકારવી જોઈએ.
નીરજ યાદવ ભારતના સૌથી સફળ પેરા એથ્લેટ્સમાંના એક હતા. તેમણે 2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023માં હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તેમણે જેવલિન થ્રો અને ડિસ્કસ થ્રો બંનેમાં ગોલ્ડ મેડલ જીતીને ડબલ ગોલ્ડ મેળવ્યો હતો.
નીરજનું જીવન સંઘર્ષભર્યું રહ્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમને પોસ્ટ-પોલિયો રેસિડ્યુઅલ પેરાલિસિસ નામની બીમારીનું નિદાન થયું હતું. શારીરિક મર્યાદા છતાં તેમણે હિંમત ન હારી. શરૂઆતમાં તેમણે વ્હીલચેર ટેનિસ રમ્યું અને પછી પેરા એથ્લેટિક્સ તરફ વળ્યા. તેઓ F55 કેટેગરીમાં ભાગ લેતા હતા, જેમાં ખેલાડી બેસીને ફિલ્ડ ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરે છે.