ભારતના નીરજ કુમારે કતારમાં ચાલી રહેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે દેશ માટે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકનું કોટા સ્થાન પણ હાંસલ કરી લીધું છે.
નીરજે બુધવારે પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ સ્પર્ધાના ફાઇનલમાં 346.5 પોઇન્ટ્સ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. આ મુકાબલો કતારના લુસૈલ શૂટિંગ રેન્જમાં યોજાયો હતો.
આ ચેમ્પિયનશિપમાં ભારતનું આ બીજું ઓલિમ્પિક કોટા છે. આ પહેલાં જયપાલ માલવિયાએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ઓલિમ્પિક કોટા હાંસલ કર્યો હતો.
ફાઇનલમાં નીરજ સિલ્વર મેડલની દોડમાં હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં તેમનો શોટ 9.4 પોઇન્ટ્સનો રહ્યો અને તેમને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. ઈન્ડિવિજ્યુઅલ ન્યુટ્રલ એથ્લીટ (AIN)ના દિમિત્રી પિમેનોવે 362.8 પોઇન્ટ્સના વર્લ્ડ જુનિયર રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. સ્લોવાકિયાના પેટ્રિક જાનીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ બંને ખેલાડીઓએ પણ ઓલિમ્પિક કોટા મેળવ્યો છે.
ફાઇનલમાં પહોંચેલા બીજા ભારતીય ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર 323.7 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને રહ્યો.
ઓલિમ્પિક કોટા શું હોય છે?
ઓલિમ્પિક કોટા એટલે ઓલિમ્પિકની કોઈ સ્પર્ધામાં દેશને મળેલું સ્થાન. શૂટિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પોતાના દેશ માટે આ કોટા હાંસલ કરે છે. તેનો અર્થ એ છે કે તે દેશને સંબંધિત સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે એક સ્થાન મળ્યું છે.
જોકે, કોટા હાંસલ કરનાર ખેલાડીનું ઓલિમ્પિકમાં રમવું નક્કી હોતું નથી. દેશની પસંદગી પ્રક્રિયા હેઠળ નક્કી થાય છે કે આ કોટા પર કયો ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે.