સત્ય. સાહસ. સંકલ્પ.

ગોવિંદા સાથેના સંબંધની ચર્ચા પર નીલમ કોઠારીની સ્પષ્ટતા: 'તે સમયે હું ખૂબ નાની હતી'

ગોવિંદા સાથેના સંબંધની ચર્ચા પર નીલમ કોઠારીની સ્પષ્ટતા: 'તે સમયે હું ખૂબ નાની હતી'

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને 'હમ સાથ સાથ હૈ' ફેમ નીલમ કોઠારીએ તેમના સહકલાકાર ગોવિંદા સાથેના સંબંધોની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યારે આ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે તેઓ ખૂબ નાની ઉંમરના હતા અને તેમને ગોવિંદાના લગ્ન વિશે જાણ નહોતી.

નીલમે આ વાત 'ટાઇમ્સ નાઉ'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહી. તેમણે જણાવ્યું, 'મને ખબર નથી. સૌ પ્રથમ તો હું તે સમયે ખૂબ નાની હતી. હવે મને ખબર પડે છે કે કદાચ તે સમયે તેમના લગ્ન થઈ ચૂક્યા હતા.'

નીલમ કોઠારી અને ગોવિંદાએ 1980ના દાયકા અને 1990ના દાયકાની શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ જોડીની પડદા પરની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તેમની પહેલી ફિલ્મ 'લવ 86' 14 ફેબ્રુઆરી 1986ના રોજ રિલીઝ થઈ હતી, જે ગોવિંદાની ડેબ્યૂ ફિલ્મ પણ હતી. બે અઠવાડિયા બાદ 28 ફેબ્રુઆરી 1986ના રોજ તેમની બીજી ફિલ્મ 'ઇલ્ઝામ' રિલીઝ થઈ, જેના ગીતો અને ગોવિંદાના ડાન્સે (ખાસ કરીને 'સ્ટ્રીટ ડાન્સર') તેમને રાતોરાત લોકપ્રિય બનાવ્યા.

બંને 'ખુદગર્ઝ' (1987)માં પણ સાથે જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ઉપરાંત 'સિંદૂર', 'હત્યા', 'દો કૈદી' અને 'ફર્ઝ કી જંગ' જેવી ઘણી ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું. આ દરમિયાન તેમના સંબંધોને લઈને અફવાઓ ચાલતી રહી.

નીલમ અને ગોવિંદા લગભગ બે દાયકા બાદ 2021માં રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'ના મંચ પર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારે નીલમના પતિ અને 'વિવાહ' ફેમ એક્ટર સમીર સોનીએ ગોવિંદા વિશે કહ્યું, 'તે ખૂબ સારા માણસ છે. જ્યારે પણ હું તેમને મળ્યો છું, તે ખૂબ જ ઉષ્માભર્યા રીતે મળ્યા છે.' તેમણે એમ પણ કહ્યું, 'જે વાત 20 વર્ષ પહેલાં થઈ પણ હોય કે ન પણ હોય, તેના વિશે મને ખબર જ નથી, તો હું તેને લઈને કેવી રીતે બેસી શકું? તેઓ હજુ પણ દાવો કરે છે કે તેઓ તને ખૂબ પ્રેમ કરતા હતા.'

નીલમે 2000માં બિઝનેસમેન ઋષિ સેઠિયા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ 2011માં તેમણે એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા.

નીલમે જણાવ્યું કે તે સમયે તેમના માટે સંબંધ બનાવવો ક્યારેય વિકલ્પ ન હતો. તેમનું આખું ધ્યાન હિન્દી શીખવા અને ફિલ્મોમાં કામ કરવા પર હતું. ઓછી ઉંમરના કારણે તેમના પરિવારનો એક સભ્ય તેમની સાથે શૂટિંગ પર જતો હતો. સેટ પર બધા લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના સહકલાકારો તેમની સાથે બાળક જેવો વ્યવહાર કરતા હતા. સમીર સોનીએ કહ્યું કે જેકી શ્રોફ અને સંજય દત્ત ખાસ કરીને નીલમને લઈને ખૂબ પ્રોટેક્ટિવ રહેતા હતા.

નીલમ કોઠારીનો જન્મ હોંગકોંગમાં થયો હતો. તેમના પિતા શિશિર કોઠારી ગુજરાતી જૈન હતા, જ્યારે માતા પરવીન કોઠારી પારસી હતા. બાળપણથી જ તેમને સંગીત અને ડાન્સમાં રુચિ હતી. તેમણે કીબોર્ડ વગાડવાનું અને જાઝ બેલે પણ શીખ્યું. તેમનો અભ્યાસ હોંગકોંગની આઇલેન્ડ સ્કૂલમાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર બેંગકોક શિફ્ટ થઈ ગયો.

મુંબઈમાં રજાઓ ગાળતી વખતે તેમની મુલાકાત ફિલ્મ ડિરેક્ટર રમેશ બહલ સાથે થઈ, જેમણે તેમને ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી. જ્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા, ત્યારે લીડ તરીકે તેમની પહેલી ફિલ્મ 'જવાની' (1984) રિલીઝ થઈ હતી. ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમણે 2001માં અભિનયથી અંતર બનાવી લીધો અને જ્વેલરી ડિઝાઇનિંગમાં પગ મૂક્યો. ઘણા વર્ષો બાદ 2020માં તેઓ રિયાલિટી શો 'ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ'માં જોવા મળ્યા, જેમાં તેમની મિત્રો મહીપ કપૂર, ભાવના પાંડે અને સીમા સજદેહ પણ હતી. તેઓ તેના સ્પિન-ઓફ 'ફેબ્યુલસ લાઇવ્સ વર્સિસ બોલિવૂડ વાઇવ્સ'માં પણ જોવા મળ્યા હતા.