સત્ય. સાહસ. સંકલ્પ.

શરદ પવાર અને પાર્થ પવાર વચ્ચે 48 કલાકમાં બે લાંબી બેઠકો, NCP વિલયની અટકળો

શરદ પવાર અને પાર્થ પવાર વચ્ચે 48 કલાકમાં બે લાંબી બેઠકો, NCP વિલયની અટકળો

મહારાષ્ટ્રના રાજકારણમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે જૂથો ફરી એક થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા 48 કલાકમાં વરિષ્ઠ નેતા શરદ પવાર અને તેમના ભત્રીજા પાર્થ પવાર વચ્ચે આશરે બે-બે કલાક લાંબી બે બેઠકો થઈ છે. આ બેઠકોમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં, જ્યાં શરદ પવાર સારવાર હેઠળ હતા, ત્યાં પાર્થ પવાર, ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલે વચ્ચે પણ એક બેઠક થઈ હોવાના અહેવાલ છે. જોકે, બંને જૂથોએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

બીજી તરફ, NCP નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે કે તેઓ ફરી શરદ પવારને મળશે. દિવાળી બાદ 10 નવેમ્બરથી તેઓ મુંબઈમાં રહેશે અને શરદ પવારની તબિયત પૂછવા મળશે. પાર્થ પવારની મુલાકાત વિશે તેમણે કહ્યું કે તે માત્ર તબિયત પૂછવા માટેની હતી, કોઈ રાજકીય ચર્ચા માટે નહીં.

મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા સંજય શિરસાટે દાવો કર્યો છે કે NCPના બંને જૂથોનું વિલીનીકરણ અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે રાજકીય હિલચાલ ચાલી રહી છે અને હવે એ જોવાનું બાકી છે કે કયા પક્ષનું કોનામાં વિલીનીકરણ થાય છે. ટૂંક સમયમાં નેતાઓની નવી ભૂમિકાઓ પણ નક્કી થશે.

ઉલ્લેખનીય છે કે, NCPમાં 2023માં ફૂટી સાથે પક્ષ બે જૂથોમાં વિભાજિત થયો હતો. શરદ પવારના નેતૃત્વમાં એક જૂથ અને અજિત પવારના નેતૃત્વમાં બીજું જૂથ અસ્તિત્વમાં છે. હવે બંને જૂથો વચ્ચે સમાધાનની ચર્ચા ચાલી રહી હોવાનું મનાય છે.