સત્ય. સાહસ. સંકલ્પ.

NCBની મોટી કાર્યવાહી: 3 રાજ્યોમાં 38 સ્થળોએ દરોડા, 18ની ધરપકડ, 100 કરોડના હવાલા વ્યવહારોનો પર્દાફાશ

NCBની મોટી કાર્યવાહી: 3 રાજ્યોમાં 38 સ્થળોએ દરોડા, 18ની ધરપકડ, 100 કરોડના હવાલા વ્યવહારોનો પર્દાફાશ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પૂર્વોત્તર ભારતમાં ડ્રગ્સ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરી છે. 'ઓપરેશન ટ્રાઇડેન્ટ' હેઠળ મિઝોરમ પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાથે સંયુક્ત રીતે 23 ઓક્ટોબરે આસામ, મિઝોરમ અને મણિપુરના 38 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ હવાલા વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

તપાસ એજન્સીઓએ 1,424 બેંક ખાતાં ફ્રીઝ કર્યાં છે અને 17.82 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. દરોડાના સ્થળોથી 500 ડિટોનેટર અને 12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ સિન્ડિકેટ સાથે જોડાયેલા 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર થંગચિનતુઆંગ ઉર્ફે ચિનતુઆંગ છે, જે NDPS એક્ટ હેઠળ 10થી વધુ કેસમાં વોન્ટેડ હતો. તપાસ ટીમોએ તેની દિલ્હીથી ધરપકડ કરી છે. આ આંતરરાષ્ટ્રીય ગેંગ મ્યાંમારથી હેરોઈન અને મેથમફેટામાઈન જેવા જીવલેણ નશાકારક પદાર્થો મિઝોરમ, મણિપુર, આસામ અને ત્રિપુરા થઈને ભારતના અન્ય રાજ્યો તેમજ બાંગ્લાદેશ સુધી સપ્લાય કરતી હતી. અગાઉ ઝડપાયેલા સાથીદારોની ડિજિટલ અને નાણાકીય કડીઓના આધારે આ ઓપરેશન સફળ થયું હતું.