નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. નવા ભાવ શનિવાર સવારથી લાગુ થઈ ગયા છે.
અમદાવાદમાં પેટ્રોલ ₹106.83 પ્રતિ લિટર અને ડીઝલ ₹100.92 પ્રતિ લિટર થયું છે. ભોપાલમાં પેટ્રોલ ₹119.54 અને ડીઝલ ₹103.64 પ્રતિ લિટર થયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા બાદ છૂટક ભાવો અને ખર્ચ વચ્ચેનો તફાવત ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષની શરૂઆતમાં પણ ભાવ વધાર્યા હતા. ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો પ્રભાવિત થયો ત્યારે 26 માર્ચે કંપનીએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર મોંઘું કર્યું હતું. જોકે, પછી પશ્ચિમ એશિયામાં તણાવ ઘટ્યો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટ્યા, ત્યારે 1 જુલાઈએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 પ્રતિ લિટર સસ્તું કર્યું હતું.
હાલ સરકારી કંપનીઓ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જિયોએ પણ હજુ સુધી કોઈ ફેરફાર કર્યો નથી.
ઇકરા (ICRA)ના અહેવાલ મુજબ, સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ભારતમાં છૂટક ભાવ સ્થિર રહેવાથી સરકારી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ઇકરાના અનુમાન પ્રમાણે, ઈન્ડિયન ઓઇલ, HP અને BPCLને પેટ્રોલ પર આશરે ₹8 અને ડીઝલ પર ₹9 પ્રતિ લિટરનું નુકસાન થાય છે. પેટ્રોલ, ડીઝલ અને LPG મળીને દરરોજ આશરે ₹530 કરોડનું નુકસાન થાય છે.
મે મહિનામાં ખાનગી કંપનીઓએ ભાવ વધાર્યા બાદ સરકારી તેલ કંપનીઓએ પણ ભાવ વધાર્યા હતા. IOC, BPCL અને HPCLએ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડનો હવાલો આપીને હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કુલ ₹7.50-₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90%થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.