છત્તીસગઢના ચર્ચિત ઝીરમ ઘાટી નક્સલી હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની વિશેષ અદાલતે 5 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે ધરપકડ કરાયેલા તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યાં છે અને તેમની સજાની જાહેરાત કરી છે. આ ચુકાદા સાથે 13 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારોમાં સંતોષનો માહોલ છે.
આ કેસની સુનાવણી NIA ના વિશેષ અદાલતના ન્યાયાધીશ અજયસિંહ રાજપૂતની ખંડપીઠ દ્વારા કરવામાં આવી હતી. અંતિમ દલીલો માટે જગદલપુર સેન્ટ્રલ જેલમાં બંધ 10 કેદીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાંથી એકનું મોત થઈ ગયું છે. કોર્ટે તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવતાં સજા ફટકારી છે. અગાઉ અંતિમ દલીલ પૂર્ણ થયા બાદ નિર્ણયની તારીખ બે વખત મુલતવી રાખવામાં આવી હતી. પ્રથમ નિર્ણય 31 ઓગસ્ટે સંભળાવવાનો હતો, પરંતુ તારીખ બદલીને 5 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.
આ મામલામાં ફરિયાદ પક્ષે પોતાનો મજબૂત પક્ષ રાખવા કુલ 101 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. તેની સામે બચાવ પક્ષ તેમની નિર્દોષતા સાબિત કરવા કોર્ટમાં એક પણ સાક્ષી બોલાવી શક્યું નહોતું. આ 13 વર્ષોમાં કુલ 294 વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 25 મે 2013ના રોજ છત્તીસગઢના બસ્તર સંભાગમાં કોંગ્રેસે પરિવર્તન યાત્રા કાઢી હતી. જ્યારે નેતાઓનો કાફલો ઝીરમ ઘાટી તરફથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રાહ જોઈને બેઠેલા સેંકડો માઓવાદીઓએ ચારેબાજુથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ હુમલામાં કુલ 32 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 38 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, NIA એ તેમની ચાર્જશીટમાં સત્તાવાર રીતે મોતનો આંકડો 27 ગણાવ્યો છે. આ નક્સલી હુમલામાં કોંગ્રેસના મોટા નેતાઓ નિશાના પર હતા. હુમલામાં તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલ, પૂર્વ મંત્રી મહેન્દ્ર કર્મા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લ સહિત કેટલાક જાણીતા નેતાઓના સુરક્ષાકર્મીઓ પણ મોતને ભેટ્યા હતા. NIA એ 2015માં કોર્ટમાં અંદાજે 1000 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી.