સત્ય. સાહસ. સંકલ્પ.

મધ્યપ્રદેશની મહિલા જ્યોતિષે નવસારીની યુવતી પાસેથી 28.43 લાખ પડાવ્યા, લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરી

મધ્યપ્રદેશની મહિલા જ્યોતિષે નવસારીની યુવતી પાસેથી 28.43 લાખ પડાવ્યા, લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગામની એક યુવતીએ મનગમતા યુવક સાથે લગ્ન કરાવવાની લાલચ આપીને મધ્યપ્રદેશની મહિલા જ્યોતિષ દ્વારા રૂ. 28.43 લાખ પડાવ્યાની ફરિયાદ બીલીમોરા પોલીસ મથકે નોંધાવી છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર જ્યોતિષની રીલ જોઈને તેના સંપર્કમાં આવી હતી.

ફરિયાદ મુજબ, યુવતી મનગમતા યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર 'ઈશા શર્મા' નામની જ્યોતિષની રીલ જોઈ, જેમાં પ્રેમલગ્ન કરાવવા અને ઈચ્છા પૂરી કરવા માટે વિશેષ પૂજા-વિધિ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુવતીએ પ્રભાવિત થઈને જ્યોતિષનો સંપર્ક કર્યો અને પોતાના અને યુવકના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા.

જ્યોતિષે યુવતી અને તેના મનગમતા યુવકની કુંડળીમાં દોષ હોવાનું કહીને વિશેષ પૂજા કરાવવાની જરૂરિયાત જણાવી હતી. ત્યારબાદ વિવિધ બહાનાં હેઠળ નાણાંની માગણી કરીને આશરે 29 બેંક ખાતાંમાં કુલ રૂ. 28.43 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ નાણાંની વ્યવસ્થા કરવા માટે યુવતીએ પોતાની બચત વાપરી હતી અને મિત્રો તથા સગાં-સંબંધીઓ પાસેથી ઉધાર લીધા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

લાખો રૂપિયા ચૂકવ્યા છતાં ઈચ્છા પૂરી ન થતાં યુવતીએ વધુ નાણાં આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી અને તેના મનગમતા યુવકના અંગત ફોટોગ્રાફ્સ તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારજનો તથા ગામલોકોમાં બદનામ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

યુવતીએ બીલીમોરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે મધ્યપ્રદેશની જ્યોતિષ ઈશા શર્મા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બેંક ખાતાંની વિગતો અને ટેક્નિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરોપોની સત્યતા તપાસ બાદ સ્પષ્ટ થશે.