નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ગંભીર બન્યો છે. જાહેર માર્ગો પર બેસી જતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓ માટે મોટો ખતરો બની ગયા છે. છેલ્લા બે દિવસમાં રખડતા ઢોરની અડફેટે આવવાથી બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાઓએ શહેરમાં શોક અને રોષ ફેલાવ્યો છે.
પહેલી ઘટના સિંધી કેમ્પ વિસ્તારમાં સાંઈબાબા ડેરી પાસે બની. ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું મોત થયું.
બીજી ઘટના એરૂ ચાર રસ્તા નજીક બની. પોતાના બાઈક પર જઈ રહેલા બીજા યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો, જેમાં તેનું પણ મોત થયું. બે દિવસમાં બે યુવાનોના મોતથી લોકોમાં આક્રોશ છે.
આ ઘટનાઓ બાદ નવસારી મહાનગરપાલિકાની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. પાલિકા દર વર્ષે રખડતા ઢોરને પકડવા માટે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. ઢોર પકડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવે છે અને લાખોના ટેન્ડર પણ બહાર પાડવામાં આવે છે. પરંતુ આટલો ખર્ચ કરવા છતાં રસ્તા પર રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી.
રાજ્ય સરકાર દ્વારા પણ પાલિકા વિસ્તારોને રખડતા ઢોરમુક્ત કરવાના આદેશો અપાય છે. છતાં લાપરવાહીના કારણે લોકોના જીવ સુરક્ષિત નથી. રસ્તા પર ચાલવું જોખમી બની ગયું છે.
ભૂતકાળમાં પણ ઢોરની અડફેટે મોતની ઘટનાઓ બની છે અને પાલિકા સામે કોર્ટમાં કેસ પણ થયા છે. હવે બે યુવાનોના અકાળે મોત બાદ શહેરીજનોમાં ધીરજનો અંત આવ્યો છે.
સ્થાનિક લોકો અને મૃતકોના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પ્રજા સુરક્ષિત ન હોય તો તે શાસકોની નિષ્ફળતા છે. બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.