સત્ય. સાહસ. સંકલ્પ.

નવસારીમાં કરોડોના બજેટ છતાં વિકાસકાર્યો અટવાયા, રસ્તા-ગટર-તળાવોના પ્રોજેક્ટ અધૂરા

નવસારીમાં કરોડોના બજેટ છતાં વિકાસકાર્યો અટવાયા, રસ્તા-ગટર-તળાવોના પ્રોજેક્ટ અધૂરા

નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને દોઢ વર્ષ થઈ ગયું છે, પરંતુ શહેરના વિકાસકાર્યોની ગતિ ધીમી રહી છે. મહાપાલિકાએ 800 કરોડના વિકાસકાર્યોના દાવા કર્યા છે અને 1200 કરોડનું બજેટ ફાળવ્યું છે, તેમ છતાં ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ અધૂરા રહ્યા છે. જેના કારણે શહેરીજનોને રોજિંદી મુશ્કેલીઓનો સામો કરવો પડી રહ્યો છે.

શહેરના બે રિંગ રોડનું કામ અધૂરું હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. આ ઉપરાંત 15 કરોડનો એસટીપી પ્લાન્ટ, 40 કરોડની ભૂગર્ભ ગટર યોજના, 20 કરોડના રસ્તા અને 10 કરોડના ટીપી રોડના કામો પણ અટકી પડ્યા છે. પાંચ તળાવોના સૌંદર્યીકરણના પ્રોજેક્ટ, સિન્થેટિક દોડ ટ્રેક અને ડ્રેનેજનું કામ પણ પૂર્ણ થયું નથી. ચોમાસામાં અધૂરા કામો ધોવાઈ જતાં ફરી કામગીરી શરૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

નાગરિકો અધૂરા પ્રોજેક્ટ્સ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે વિકાસના આ કામો ક્યારે પૂરા થશે. બીજી તરફ મેયરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરીને બાકી કામો વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી છે. જોકે શહેરીજનો આ ખાતરી પર કામગીરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.