નવસારીના 'રાસલોક' નવરાત્રિ મહોત્સવમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ સોનેરી પોશાકમાં પરી જેવા લુક સાથે પોતાના મધુર સૂરથી એવી રમઝટ બોલાવી કે હ્યુમનાઈડ રોબોટ પણ ઝૂમી ઉઠ્યો હતો. ગીતા રબારીના તાલ પર રોબોટે આબેહૂબ ગરબા રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રસંગે ગીતા રબારીએ પણ રોબોટ સાથે ગરબા કર્યા હતા. ત્રણ તાળીના તાલે હજારો ખેલૈયાઓએ મજા માણી હતી. ગરબાના સ્ટેપ્સ અને તાળીઓ માટે રોબોટમાં વિશેષ પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હતું.
આ વિશેષ રોબોટને લાવનાર 'ફ્લેગશિપ' કંપનીના ઓનર પીનલ બારોટે જણાવ્યું હતું કે, તેમની કંપની નવી પેઢીને ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે આવી રોબોટિક સેવાઓ ઇવેન્ટ્સમાં પૂરી પાડે છે. આ હ્યુમનાઈડ રોબોટને ગુજરાતી ગરબાની પરંપરા મુજબ ખાસ પ્રોગ્રામ અને ટીચ કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજનું અને આવનારું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિક્સનું છે. આપણી સંસ્કૃતિને આધુનિક માધ્યમથી નવી પેઢી સમક્ષ રજૂ કરવી એ જ એનો મુખ્ય હેતુ છે.
'રાસલોક' નવરાત્રિના આયોજક હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ રોબોટને ગરબાના વિવિધ ગીતો, તાલ અને તેના પર લેવાતા સ્ટેપ્સનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે. આ પ્રયોગ માત્ર લોકોના મનોરંજન કે આકર્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનો અને બાળકો માટે રોબોટિક્સ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં કેવી રીતે કામ કરી શકાય તે સમજવા માટેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
હાલમાં સમગ્ર નવસારીમાં આ રોબોટ અને ગીતા રબારીની જુગલબંધી ભારે વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે ફેક્ટરીઓ કે પ્રયોગશાળાઓ સુધી સીમિત રહેતી રોબોટિક ટેકનોલોજી હવે આપણી સાંસ્કૃતિક વિરાસત અને તહેવારોનો ભાગ બની રહી છે, જેણે નવસારીના નવરાત્રિ મહોત્સવમાં એક નવો અને અનોખો ઈતિહાસ રચ્યો છે.