સત્ય. સાહસ. સંકલ્પ.

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ, પાણી અને સફાઈ સેવાઓ ઠપ

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ, પાણી અને સફાઈ સેવાઓ ઠપ

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓએ પગાર વધારો અને કાયમીકરણની માંગ સાથે હડતાળ શરૂ કરી છે. આ હડતાળમાં વોટર વર્ક્સ, માઇનોર, સેનેટરી, દબાણ અને ફાયર વિભાગ સહિતના મહત્વના વિભાગોના કર્મચારીઓ સામેલ છે, જેના કારણે શહેરમાં પાણી પુરવઠો અને સફાઈ જેવી નાગરિક સુવિધાઓ પર ગંભીર અસર પડી છે.

વોટર વર્ક્સ વિભાગના અંદાજે 70 કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત 300થી વધુ સફાઈકર્મીઓ પણ હડતાળમાં જોડાતાં સફાઈનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં કાયમીકરણ અને પગાર વધારો સામેલ છે. વિજલપુર નગરપાલિકા હતી ત્યારથી જ તેઓ આ મુદ્દે રજૂઆતો કરતા આવ્યા છે. નવસારી મહાનગરપાલિકા બન્યાના બે વર્ષ પછી પણ તેમની માંગણીઓ સંતોષાઈ નથી. તહેવારો દરમિયાન પણ પગાર ન મળતાં કર્મચારીઓમાં ભારે રોષ છે.

કર્મચારીઓએ કલેક્ટર, કમિશનર અને ખાતાના વડાઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. વહીવટીતંત્રની ઉદાસીનતા અને લોકપ્રતિનિધિઓની અજાણતાને કારણે કર્મચારીઓ અને શહેરીજનો બંને મુશ્કેલીમાં મુકાયા છે.