સત્ય. સાહસ. સંકલ્પ.

નવસારી: ધારાસભ્ય આર.સી. પટેલને માઈક ન મળતાં નારાજગી, મેયરે મીઠાઈ ખવડાવી શાંત પાડ્યા

નવસારી: ધારાસભ્ય આર.સી. પટેલને માઈક ન મળતાં નારાજગી, મેયરે મીઠાઈ ખવડાવી શાંત પાડ્યા

નવસારીના જલાલપોર વિધાનસભા ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય આર.સી. પટેલે એક કાર્યક્રમમાં માઈક ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. વિજલપોર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી આશાપુરી મંદિર સુધીના સંપૂર્ણ વ્હાઇટ ટોપિંગ RCC રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આ ઘટના બની હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. 3.62 કરોડના ખર્ચે આ માર્ગનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમમાં ધારાસભ્યને બોલવા માટે માઈકની વ્યવસ્થા ન થતાં તેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ અને મેયર અશોક ધોરાજીયાને ટકોર કરી હતી. તેમણે પૂછ્યું કે વિજલપોર વિસ્તાર માટે માઈકની સામાન્ય વ્યવસ્થા પણ કેમ કરવામાં આવી નથી. આ પહેલાં પણ આર.સી. પટેલ વિકાસકાર્યોમાં કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી લેવાની પ્રથા અંગે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

મેયર અશોક ધોરાજીયાએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે રસ્તાના કામ અંગે પોતાની વાત રજૂ કરી અને કહ્યું કે આ પહેલો રસ્તો છે. જોકે, ધારાસભ્યએ તેમની વાત વચ્ચે જ રોકીને કહ્યું કે પહેલો રસ્તો તો મહેશ કોઠારી કરી ગયા હતા. આ ટકોરથી કાર્યક્રમમાં હાજર લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

ધારાસભ્યનો ગુસ્સો શાંત કરવા મેયરે તેમના મોઢામાં મીઠાઈનો ટુકડો મૂક્યો હતો. મીઠાઈ ખાધા બાદ વાતાવરણ થોડું હળવું થયું હતું. તેમ છતાં આર.સી. પટેલે બંને પદાધિકારીઓને વિજલપોર વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અને વિકાસકાર્યોમાં બેદરકારી ન રાખવા કડક ટકોર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નવસારીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર.સી. પટેલ સાથે મુલાકાત કરીને તેમની પીઠ થાબડી હતી. આર.સી. પટેલ પોતાના સ્પષ્ટવક્તા અને આકરા સ્વભાવ માટે જાણીતા છે. તેઓ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસકાર્યોને લઈને અધિકારીઓ તેમજ પોતાના પક્ષના પદાધિકારીઓને જાહેરમાં ટકોર કરતા રહે છે. જોકે, તેમના આ સ્વભાવને કારણે ક્યારેક પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો કરવો પડ્યો છે.

આ કાર્યક્રમમાં મેયર અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત, બાંધકામ સમિતિના ચેરમેન સુનીલ લાંજેવાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.યુ. વસાવા સહિત કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.