નવસારીના વ્યસ્ત વિસ્તાર એરુ ચાર રસ્તા પાસે ગત રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો. પૂરઝડપે આવી રહેલી ઓડી કારના ચાલકે રસ્તા પર ચાલીને ઘર તરફ જઈ રહેલા એક આધેડને અડફેટે લીધા, જેમાં તેમનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ અરુણ ઉપાધ્યાય તરીકે થઈ છે. તેઓ રાત્રે 10:30 વાગ્યે એરુ ચાર રસ્તા પાસે આવેલી પોતાની 'શિવ શક્તિ' નામની જ્યુસની દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ગાંધી ફાટક તરફથી એરુ ચાર રસ્તા તરફ પૂરઝડપે આવી રહેલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલે તેમને સામેથી ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અરુણ ઉપાધ્યાય હવામાં ફંગોળાઈને દૂર રસ્તા પર પટકાયા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓ અર્ધબેભાન અવસ્થામાં રસ્તા પર પડ્યા હતા. આસપાસના રાહદારીઓએ તાત્કાલિક તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આરોપી શિવાંશ પટેલ તેના એક મિત્ર સાથે ઓડી કારમાં સવાર થઈને એરુ ચાર રસ્તા તરફ આવી રહ્યો હતો, ત્યારે કાર પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. શિવાંશ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના નગરસેવક ધર્મેશ ભીમ પટેલના ભત્રીજા છે. ધર્મેશ પટેલના મોટાભાઈ ભરત પટેલના પુત્ર શિવાંશ હાલ બેરોજગાર છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ઈમરજન્સી સેવા '108' પર ફોન કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા માટે સ્થાનિકોએ લાચાર બની ખાનગી વાહનની મદદ લેવી પડી હતી. લાંબી રાહ જોયા બાદ પણ 108 મોટી પહોંચતા રોષે ભરાયેલા લોકોએ ઘટનાસ્થળે વીડિયો બનાવીને તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઓડી કારના ચાલક શિવાંશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.