નવરાત્રીનો ઉત્સાહ વધતાં સાયબર ઠગોએ 'રેન્ટ અ ગરબા પાર્ટનર'ના નામે નવો કીમિયો અજમાવવાનું શરૂ કર્યું છે. સિંગલ ખેલૈયાઓને નિશાન બનાવીને ભાડે પાર્ટનર આપવાની લોભામણી જાહેરાત કરવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સક્રિય થઈને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ અને રીલ્સ પર વોચ શરૂ કરી છે.
સાયબર ક્રાઈમે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરે, અંગત માહિતી કે ફોટા શેર ન કરે અને છેતરપિંડીનો ભોગ બનતાં તરત જ 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરે.
સાયબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ, સુરત અને મુંબઈના યુઝર્સ દ્વારા આ પ્રકારની પોસ્ટ્સ વધુ શેર થઈ રહી છે. હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ તહેવારો અને વાઈરલ ટ્રેન્ડનો લાભ લઈને ઠગો નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ DCPએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં 'રેન્ટ અ પાર્ટનર'ની પોસ્ટ અને રીલ્સ ફરતી થઈ છે. આ અંગે ટીમ તપાસ કરી રહી છે. લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આવી પોસ્ટ્સ પાછળ ફ્રોડ કે ગેરકાયદેસર પ્રવૃત્તિનો હેતુ છે કે નહીં.
સાયબર ક્રાઈમે જણાવ્યું કે, અજાણી પ્રોફાઈલ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, ગરબા પાર્ટનર મેળવવાના નામે કોઈને પૈસા ન આપવા, અંગત માહિતી શેર ન કરવી અને શંકા જણાય તો નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.