આસો નવરાત્રીના આઠમાં નોરતે દેશભરમાં માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને અમદાવાદના ભદ્રકાળી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, જેનાથી નવરાત્રીના છેલ્લા દિવસોમાં ગરબા ખેલૈયાઓને ભીંજાવાની શક્યતા છે.
રાજકોટમાં 15,000 આહીરાણીઓએ 900 કિલો સોનાના ઘરેણાં પહેરીને રાસ કર્યો હતો. ગરબા મેદાન ઘરેણાંથી ચમકી ઉઠ્યું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
ભાવનગરના એક યુવકે મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. 13 મિનિટના અંતિમ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે દહેજ ઉત્પીડન કાયદો પુરુષોનો ભોગ લે છે. મૃતક પર તેની પત્નીએ ઘરેલુ હિંસા સહિતની ફરિયાદ કરી હતી.
સુરતમાં મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં મોટા ભાઈએ માતા અને નાના ભાઈ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલામાં બંનેના મોત નીપજ્યા છે.
અમરાઈવાડીમાં નવરાત્રિના ગરબા દરમિયાન એક યુવક પર ચાર લોકોએ છરી લઈને હુમલો કર્યો હતો. એલ.જી. હોસ્પિટલમાં યુવકનું મોત થયું છે. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અમદાવાદના શાહીબાગમાં ચાલુ કારે ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ત્રણ રિક્ષાને અડફેટે લઈને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી, જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી છે.
સુરતમાં શનિવારે મોડી રાત્રે બે મોટા નવરાત્રી ગ્રાઉન્ડમાં બબાલ અને અફરાતફરી મચી ગઈ હતી. OG નવરાત્રીમાં પાસ હોવા છતાં પ્રવેશ ન મળતાં તોડફોડ થઈ હતી, જ્યારે સુવર્ણ નવરાત્રીમાં સિક્યોરિટીની દાદાગીરીથી એક યુવતી રડી પડી હતી.
સુરતના કાપોદ્રામાં ₹500ની લેતીદેતીમાં શ્રમિકો વચ્ચે બાખડી થઈ હતી. રવિવારની રજા મામલે કારખાના બંધ કરાવ્યાની અફવા ફેલાતા દોડધામ મચી હતી. ધારાસભ્ય કુમાર કાનાણી પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
વડોદરામાં નેશનલ સુપરક્રોસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. 800 મીટરના ટેક્નિકલ ટ્રેક પર દેશભરના 120થી વધુ રાઈડર્સે ભાગ લીધો હતો. જેમાં 9 વર્ષની રાઈડરના સ્ટંટે આકર્ષણ જમાવ્યું હતું.