નવરાત્રિના નવ દિવસો દરમિયાન પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમવાનો ઉત્સાહ હવે તહેવાર પૂરો થતાં જ એક નવા વિવાદમાં પરિણમ્યો છે. ગરબા અને દાંડિયા નાઇટ્સ પૂર્ણ થતાં જ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ચણિયા-ચોળી, લહેંગા અને કુર્તા જેવા તહેવારોના વસ્ત્રો પરત કરવાની ઘટનાઓ વધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ડિલિવરી એજન્ટો તેમના વાહનો અને વેરહાઉસમાં પરત આવેલા કપડાંના ઢગલા દર્શાવે છે.
એક્સ (અગાઉ ટ્વિટર) પર @Nishantchant નામના હેન્ડલથી શેર કરાયેલા આ વીડિયોમાં એક ડિલિવરી બોય હસતાં હસતાં કહે છે, "દાંડિયા પૂરા થયા નથી કે રિટર્નનું પૂર આવ્યું નથી." વીડિયો સામે આવ્યા બાદ લોકો આને 'શેમલેસ જનરેશન' ગણાવી રહ્યા છે. ઘણા નેટિઝન્સનું માનવું છે કે લોકો મોંઘા દાટ આઉટફિટ્સ ઓર્ડર કરીને માત્ર એક-બે દિવસ ફોટા પડાવવા કે ગરબા રમવા પૂરતા પહેરે છે અને ટેગ સાચવી રાખીને તુરંત પરત કરી દે છે. ફેશન અને શોપિંગની દુનિયામાં આ પ્રકારના ટ્રેન્ડને 'વોર્ડરોબિંગ' (Wardrobing) તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ વાઇરલ વીડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નવરાત્રિ દરમિયાન ચણિયા-ચોળી અને ડિઝાઇનર લહેંગાના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. આવા સમયે ઓનલાઇન પ્લેટફોર્મ્સની સરળ રિટર્ન પોલિસીનો લાભ ઉઠાવીને કેટલાક ગ્રાહકો મનપસંદ ડિઝાઇન પહેરી લે છે અને પછી રિટર્ન વિન્ડો બંધ થાય તે પહેલાં પાર્સલ પાછું મોકલી દે છે. સામાન્ય દિવસોમાં પણ ફેશન કેટેગરીમાં રિટર્ન રેટ 20થી 40 ટકા રહેતો હોય છે, પરંતુ નવરાત્રિ જેવા મોટા ઉત્સવો પછી આ આંકડો અચાનક ઊછળી જાય છે.
આ ટ્રેન્ડે ઈ-કોમર્સ કંપનીઓ અને લોજિસ્ટિક્સ પાર્ટનર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. જ્યારે કોઈ પ્રોડક્ટ પરત થાય છે ત્યારે તેના શિપિંગ, ઇન્સ્પેક્શન, રી-પેકેજિંગ અને ઘણીવાર વપરાયેલા કપડાંને લીધે પ્રોડક્ટની ગુણવત્તા બગડવાથી મોટું નુકસાન થાય છે. હવે કંપનીઓ ટેગિંગ સિસ્ટમ કડક કરવા અને રિટર્ન પોલિસીના નિયમો વધુ મજબૂત કરવા પર વિચાર કરી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર એક દિવસના શોખ માટે ઓનલાઇન કંપનીઓ પર બોજ નાખવા કરતાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ રેન્ટલ શોપ્સમાંથી કપડાં ભાડે લેવા એ વધુ સસ્તો, યોગ્ય અને ટકાઉ વિકલ્પ છે.