સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રીમાં વરસાડ નહીં, પણ આકરી ગરમીની આગાહી: અંબાલાલ પટેલ

નવરાત્રીમાં વરસાડ નહીં, પણ આકરી ગરમીની આગાહી: અંબાલાલ પટેલ

ગુજરાતના ગરબા રસિકો માટે નવરાત્રી પહેલાં હવામાનની એક મહત્ત્વની આગાહી આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા લગભગ નથી. જેથી ગરબા રમવા નીકળતા લોકોને વરસાદની ચિંતા રહેશે નહીં. પરંતુ તેમણે એ પણ ચેતવણી આપી છે કે વરસાદ નહીં પડે ત્યારે ગરમી વધુ થશે, જે રમનારાઓ માટે તકલીફનું કારણ બની શકે છે.

અંબાલાલ પટેલના વિગતવાર વિશ્લેષણ પ્રમાણે, નવરાત્રીના શરૂઆતના દિવસોમાં રાજ્યભરમાં ગરમી વધારે રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, મોરબી, હળવદ અને ધાંગધ્રા જેવા ભાગોમાં પણ કડકડતી ગરમી રહેશે. કચ્છમાં ગરમી વધુ પ્રમાણમાં અનુભવાશે. ભાવનગર સહિત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ગરમીની અસર જોવા મળશે.

પટેલની આગાહી મુજબ, 16 ઓક્ટોબર પછી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે. બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેની અસર ગુજરાતના વાતાવરણ પર પડશે. આ સિસ્ટમનો ભેજ અરબ સાગર સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

16-17 ઓક્ટોબરથી શરૂ થતો આ હવામાન પલટો ધીમે ધીમે આગળ વધશે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વાતાવરણમાં ફેરફાર થશે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક છૂટાછવાયા છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલે ખાસ કરીને ઓક્ટોબરના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ પડી શકે છે.

આ વરસાદની અસર ખેડૂતો અને સામાન્ય લોકોના જીવન પર કેવી રહેશે તે જોવાનું બાકી છે. પરંતુ નવરાત્રીમાં ગરમીથી હેરાન થતા લોકોને મધ્ય ઓક્ટોબર પછી થોડી રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સમયાંતરે નવી આગાહીઓ જાહેર કરવામાં આવશે. ગરબા રમનારાઓ અને ખેડૂતો બંનેને આ આગાહીઓ ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવી સારી રહેશે.