નવરાત્રી 2026 નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા ગરબા આયોજકો માટે કડક સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે માત્ર ફાયર NOC લેવાથી કામ નહીં ચાલે. આયોજકોએ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇમરજન્સી એક્ઝિટ, જનરેટરની ગોઠવણ અને ભીડ નિયંત્રણ જેવી બાબતોમાં પણ વિગતવાર માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ગરબા સ્થળે દર 25 મીટરે ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત રાખવી પડશે. પ્રવેશ અને નિકાસના રસ્તા અવરોધમુક્ત રાખવા પડશે. જનરેટર પંડાલથી ઓછામાં ઓછા 50 ફૂટ દૂર હોવું જોઈએ. ઉપરાંત, ટિકિટ કે પાસના મોનિટરિંગ દ્વારા ભીડ નિયંત્રણ કરવું અને સ્થળની ક્ષમતાથી વધુ ખેલૈયા ન આવે તેની ખાતરી કરવી પડશે.
માર્ગદર્શિકામાં ઇલેક્ટ્રિક વાયરિંગ યોગ્ય રીતે કરવું, પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવા અને એક્ઝિટના રસ્તામાં કોઈપણ સામાન ન મૂકવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાયર વિભાગ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જ NOC આપશે. ત્યારબાદ પોલીસ લાઇસન્સ જેવી આગળની કાર્યવાહી કરી શકાશે.
આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અનિચ્છનીય દુર્ઘટના ટાળવાનો અને ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આયોજકોએ સમયસર તૈયારીઓ પૂર્ણ કરી, ફાયર વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.