ગુજરાતનો ગરબો હવે માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો. ફિનલેન્ડના રોવાનિએમી અને ઓલુ શહેરમાં નવરાત્રિ નિમિત્તે ગરબાના કાર્યક્રમો યોજાયા, જેમાં બંને શહેરો મળીને અંદાજે 700 લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમોમાં ભારતના વિવિધ રાજ્યોના લોકો ઉપરાંત ફિનલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન અને યુરોપના અન્ય દેશોના નાગરિકોએ પણ ભાગ લીધો હતો. વિદેશી નાગરિકોએ પણ ગરબાના તાલે ઝૂમીને ગુજરાતી સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.
રોવાનિએમીમાં યોજાયેલા કાર્યક્રમમાં રંગબેરંગી ચણિયાચોળી, પરંપરાગત કેડિયાં અને ગુજરાતી સંગીત સાથે ઉત્સવનો માહોલ જામ્યો હતો. આ ઉજવણી એ સાબિત કરે છે કે સંસ્કૃતિને જીવંત રાખવામાં ભૌગોલિક અંતર અવરોધ બનતું નથી. વતનથી દૂર રહેતા ગુજરાતીઓ માટે આ ઉજવણી બાળપણની યાદો તાજી કરવાનો અવસર બની હતી.
રોવાનિએમીમાં ગરબાના આયોજક હેત ગઢુલા અને હર્ષિલ દેસાઈએ જણાવ્યું કે ગરબા દ્વારા ભારતીય સાંસ્કૃતિક વારસો ફિનલેન્ડમાં રજૂ કરવાનો તેમનો પ્રયાસ છે. ઓલુમાં નવરાત્રિ કાર્યક્રમના આયોજક કસ્તુરભાઈ, જેમનું મૂળ વતન કચ્છ છે અને પછીથી અમદાવાદમાં સ્થાયી થયા છે, તેમણે જણાવ્યું કે અહીં વસતા ગુજરાતીઓ ગરબાને ખૂબ યાદ કરે છે અને આ કાર્યક્રમ તે લાગણી પૂરી કરવાનો પ્રયાસ છે.
કાર્યક્રમની સૌથી સારી બાબત એ રહી કે ગરબો માત્ર ભારતીય સમુદાય પૂરતો સીમિત ન રહ્યો. અલગ-અલગ દેશોના નાગરિકોએ પણ તેમાં જોડાઈને ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણી.
રોવાનિએમીના ડેપ્યુટી સિટી કાઉન્સિલર અને મૂળ બાંગ્લાદેશના મુસા નુરીએ જણાવ્યું કે આ પ્રકારના તહેવાર જોઈને તેમના બાળપણની યાદો તાજી થઈ ગઈ. બાંગ્લાદેશમાં પણ તેમના ઘરની આસપાસ ગરબાની ઉજવણી થતી હતી અને તેઓ તેમાં ભાગ લેતા હતા. રોવાનિએમીમાં વિવિધ દેશોના લોકો વસે છે અને આવા કાર્યક્રમોથી સૌને એકબીજાની સંસ્કૃતિ જાણવાની તક મળે છે.
ઈરાનના અલી ઘોલામી પત્ની અને બાળકો સાથે કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે પહેલાં તેમને ગરબા વિશે ખાસ જાણકારી નહોતી, પણ ગરબો જોયા પછી સમજાયું કે તેની લય અને તાલ ખૂબ સુંદર છે. કાર્યક્રમમાં ભાગ લઈને તેમને ખૂબ આનંદ થયો.
મૂળ પાકિસ્તાનના, પછીથી મોરિશિયસમાં વસેલા અને હાલ ફિનલેન્ડમાં રહેતા માલ્કમે કહ્યું કે આ સુંદર કાર્યક્રમ છે, જેના દ્વારા તેમને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ જાણવાની તક મળી.
શ્રીલંકાના નાગરિક સુભાષે ગરબાને ખૂબ ઊર્જાસભર નૃત્ય ગણાવતાં કહ્યું કે આ કાર્યક્રમ દ્વારા તેમને ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો અવસર મળ્યો.
ફિનલેન્ડના યુરકિ હાવિક્કો અને રોવાનિએમી સિટીના એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી અન્ને મારિયા હાવિક્કોએ જણાવ્યું કે તેમણે ગરબા રમ્યા અને ખૂબ આનંદ થયો. ગરબો ઊર્જાસભર નૃત્ય છે અને તેમાં ભાગ લેવાનો અનુભવ અદ્ભુત રહ્યો.
વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગરબો માત્ર નૃત્ય નથી; તે વતનની યાદ અને પોતાની ઓળખ સાથે જોડાયેલી લાગણી છે. અમદાવાદનાં જાગૃતિબહેન બેરડિયાએ કહ્યું કે ફિનલેન્ડમાં રહીને ગરબા રમવા મળે તેનાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે. ગરબો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે.
સુરતના સ્વિટી પટેલે કહ્યું કે ફિનલેન્ડમાં રહીને ગરબા રમવાની તક મળે તે પોતે જ આનંદની વાત છે. આણંદના ક્રિષ્નાના મતે ગરબો હંમેશા દિલની નજીક છે, પણ આ કાર્યક્રમ દ્વારા વિવિધ દેશોના લોકો પણ એક જ તાલના સૂરે બંધાયા છે.