નવરાત્રિ દરમિયાન વિવિધ ગરબા આયોજનોમાં અવ્યવસ્થાને લઈને અનેક આક્ષેપો સામે આવ્યા છે. ખેલૈયાઓએ પાસ લેવા છતાં પૂરતી સુવિધાઓ ન મળવાની ફરિયાદ કરી છે.
સફેદ પરિંદેમાં ₹15 હજારનો પાસ લેવા છતાં ખેલૈયાઓને ભોજન ન મળતાં તેમણે જાતે જ પિત્ઝા અને કોફી બનાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ, પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પ્રીમિયમ ગરબાના મેનેજમેન્ટ સામે સવાલો ઊઠ્યા છે.
રંગ મોરલો ગરબામાં ક્ષમતા કરતાં વધુ લોકોને એન્ટ્રી આપવાને કારણે ખેલૈયાઓને ગરબા રમવાની જગ્યા ન મળતી હોવાનો આક્ષેપ થયો છે, જ્યારે ફૂડ કોર્ટમાં પણ ભારે ભીડ હોવાનો મત એક ઇન્ફ્લુએન્સરે વ્યક્ત કર્યો છે.
વનરાત્રીના સ્થળે ખરાબ રસ્તાઓ, ભારે ટ્રાફિક જામ અને મોબાઇલ નેટવર્કની સમસ્યાને લઈને ફરિયાદો સામે આવી છે. સાયબો ગરબામાં વધુ ભીડ અને ધૂળ ઊડવાને કારણે ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી પડી હોવાનો આક્ષેપ છે. રાતલડી ગરબામાં મફતમાં એન્ટ્રી આપવામાં આવતી હોવાની અને ગરબા રમવા માટે પૂરતી જગ્યા ન હોવાની ફરિયાદો ઉઠી છે.
બીજી તરફ, શંકુ શેરી સર્કલ ખાતે ઈશાનીના ગરબા આયોજનનું સ્થળ ખૂબ દૂર હોવા ઉપરાંત રસ્તાઓની હાલત પણ ખરાબ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, એક ઇન્ફ્લુએન્સરે પૈસા ખર્ચીને પાસ ખરીદ્યા હોવા છતાં સુરક્ષાકર્મીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં ગરબા આયોજનોના મેનેજમેન્ટ અને ખેલૈયાઓને મળતી સુવિધાઓ સામે સવાલો ઊભા થયા છે.