સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ પહેલા ગરબા ક્લાસમાં ધમાકો: 72 સ્ટેપ્સ અને મંડળી ગરબાનો નવો ટ્રેન્ડ, અમદાવાદ-સુરતના ક્લાસીસ હાઉસફુલ

નવરાત્રિ પહેલા ગરબા ક્લાસમાં ધમાકો: 72 સ્ટેપ્સ અને મંડળી ગરબાનો નવો ટ્રેન્ડ, અમદાવાદ-સુરતના ક્લાસીસ હાઉસફુલ

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. અમદાવાદ અને સુરતમાં ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓની ભીડ ઉમટી છે. ઘણા ખેલૈયાઓએ ત્રણ મહિના અગાઉથી તાલીમ શરૂ કરી દીધી છે. આ વર્ષે 8 વર્ષના બાળકોથી લઈને 65 વર્ષના વડીલો સુધી ગરબાના સ્ટેપ્સ શીખવામાં લાગ્યા છે.

સુરતના ગરબા ક્લાસીસના ટ્રેનર હિરલ દડિયાએ જણાવ્યું કે આ વર્ષે 72 સ્ટેપ્સનો નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. આ સ્ટેપ્સ ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિના મિશ્રણ સાથે ડિઝાઇન કરાયા છે, જે ખેલૈયાઓને ખૂબ ગમી રહ્યા છે. તેમણે કહ્યું કે કચૂકો, ડાકલા તથા 32 અને 22 સ્ટેપ્સના અલગ-અલગ વેરિએશન્સ પણ ટ્રેન્ડમાં છે. જૂની શૈલીઓમાં નવા મુવ્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી ખેલૈયાઓ એકસરખા સ્ટેપ્સથી કંટાળે નહીં.

ટ્રેનરના જણાવ્યા મુજબ આ સ્ટેપ્સ એટલા સહજ અને ઊર્જાસભર છે કે ખેલૈયાઓ રાત્રે 4થી 5 વાગ્યા સુધી થાક વગર ગરબે ઘૂમી શકે છે. સ્વસ્તિક ગ્રુપ દ્વારા આ સ્ટેપ્સ શીખવવામાં આવે છે, જે અન્ય સ્થળોએ મળતા સ્ટેપ્સથી અલગ છે.

છેલ્લા 10 વર્ષથી ગરબા ક્લાસ ચલાવતા ટ્રેનર જાનવી પટવાએ કહ્યું કે તેમના ક્લાસમાં 200થી 250થી વધુ તાલીમાર્થીઓ જોડાયા છે. અહીં સુરતી ગરબા, અમદાવાદી ગરબા, પોપટિયું, હીંચ, દોઢિયું, ટીમલી અને મંડળી જેવા ઘણા પ્રકારના ગરબા શીખવવામાં આવે છે. આ ક્લાસની ફી 2000 રૂપિયા છે.

અ સ્ક્વોડ ડાન્સ સ્ટુડિયોના સ્થાપક અભિષેક આચાર્યએ જણાવ્યું કે જે નવા ખેલૈયાઓને મોટા સર્કલમાં જઈને રમવામાં ડર લાગે છે, તેમના માટે ખાસ બેચ શરૂ કરવામાં આવી છે. 1000 રૂપિયાની ફીવાળી આ તાલીમમાં 40થી વધુ વયના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ બેચમાં ત્રણ તાળી, ડાકલા સહિતના લગભગ 20 પાયાના સ્ટેપ્સ શીખવાડવામાં આવે છે, જેથી તેઓ આત્મવિશ્વાસથી ગ્રાઉન્ડ પર રમી શકે. ખેલૈયાઓને પરંપરાગત પોશાક અને વેન્યુ પાસની સગવડ પણ આપવામાં આવે છે.

સુરતના ‘શ્યામ ગરબા’ ક્લાસમાં છેલ્લા બે વર્ષથી તાલીમ આપતા ટ્રેનર કૃપાલીએ જણાવ્યું કે આ વર્ષે ‘મંડળી ગરબા’ અને ‘દાંડિયા ગરબા’ સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. પહેલા મંડળી ગરબા મુખ્યત્વે અમદાવાદના ગ્રાઉન્ડ પર ધૂમ મચાવતા હતા, પણ હવે સુરતના ખેલૈયાઓમાં પણ તેનો જબરદસ્ત ક્રેજ જોવા મળે છે. સાથે જ પરંપરાગત દાંડિયા સ્ટેપ્સ પણ નવા અંદાજ સાથે ફરી ટ્રેન્ડમાં આવ્યા છે.