ભારતમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ઓટોમોબાઇલ માર્કેટમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળે છે. આ વખતે નવરાત્રિ દરમિયાન પણ વાહનોનું જોરદાર વેચાણ થયું છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, આ વર્ષે નવરાત્રિના 10 દિવસના તહેવારી સમયગાળા દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં નવાં વાહનો ખરીદ્યાં છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોની ધૂમ ખરીદી થઈ છે.
ઓટોમોબાઇલના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને હવે આશરે 10.5 ટકા સુધી પહોંચી ગયો છે. FADAના અહેવાલ મુજબ, નવરાત્રિના 10 દિવસ દરમિયાન દેશભરમાં ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને પેસેન્જર કાર સહિત કુલ 1,17,437 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. ગયા વર્ષની નવરાત્રિની સરખામણીમાં આ વખતે કુલ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 26.78 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આશરે 92,628 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જો બે વર્ષ પહેલાંની નવરાત્રિ સાથે સરખામણી કરવામાં આવે તો ઇલેક્ટ્રિક વાહનોના કુલ વેચાણમાં 83 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયેલા આ વધારામાં સૌથી મોટો ફાળો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનો રહ્યો છે. નવરાત્રિ દરમિયાન ગ્રાહકોએ બેટરીથી ચાલતાં સ્કૂટર અને બાઇકને મોટી સંખ્યામાં અપનાવ્યાં છે. આ સમયગાળા દરમિયાન કુલ 75,758 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 33.41 ટકા વધારે છે. પેટ્રોલના વધતા ભાવ અને ઓછા સંચાલન ખર્ચને કારણે સામાન્ય લોકો હવે રોજિંદી અવરજવર માટે ઇલેક્ટ્રિક સ્કૂટરને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. પરિણામે, ટૂ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધીને આશરે 9 ટકા સુધી પહોંચી ગયો છે.
માત્ર ટૂ-વ્હીલર્સ જ નહીં, પરંતુ પેસેન્જર ઇલેક્ટ્રિક કારની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ નવરાત્રિ દરમિયાન આશરે 12,305 ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું જે ગયા વર્ષની સરખામણીમાં 25.97 ટકા વધારે છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ 10.51 ટકાના વધારા સાથે કુલ 28,086 વાહનોનું વેચાણ નોંધાયું હતું. કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં તો આશરે 96 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે પરિવહન અને ડિલિવરી ક્ષેત્રમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
નવરાત્રિ દરમિયાન થયેલા આ જંગી વેચાણ પાછળ ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા આપવામાં આવતી આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર્સ, સરળ ફાઇનાન્સ યોજનાઓ અને ઝીરો ડાઉન પેમેન્ટ જેવી સુવિધાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત, સરકાર તરફથી મળતી સબસિડી અને પર્યાવરણને પ્રદૂષણમુક્ત રાખવા અંગે વધતી જાગૃતિ પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો કરવામાં મહત્ત્વનો ફાળો આપી રહી છે. નવરાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના વેચાણના આ શાનદાર આંકડાઓને કારણે ઓટોમોબાઇલ ક્ષેત્રની આશાઓ વધુ મજબૂત બની છે. હવે ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન પણ વાહનોના વેચાણમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.