સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રીમાં ડિટેક્ટિવની માંગ વધી: અમદાવાદમાં ફિયાન્સી પર નજર રાખવાના કેસ 50% ઊંચા

નવરાત્રીમાં ડિટેક્ટિવની માંગ વધી: અમદાવાદમાં ફિયાન્સી પર નજર રાખવાના કેસ 50% ઊંચા

અમદાવાદ: દેશભરમાં નવરાત્રીનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાતમાં ડિટેક્ટિવ એજન્સીઓ પાસે પણ કામનો ભાર વધી ગયો છે. અમદાવાદ અને સુરતની ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓ દાવો કરી રહી છે કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન તેમને મળતા કેસની સંખ્યામાં 50% જેટલો વધારો થયો છે. આ કેસોમાં ફિયાન્સી પર વોચ રાખવાના, સાથીના હલનચલન પર નજર રાખવાના અને સંતાન ખોટી સંગતમાં ન ફસાય તે માટે માતા-પિતા દ્વારા અપાયેલા કેસોનો સમાવેશ થાય છે.

નવરાત્રિના સમયગાળામાં યુવાનો અને યુવતીઓ મોડી રાત સુધી ગરબા માટે બહાર રહેતા હોવાથી પરિવારજનોમાં ચિંતા વધી જાય છે. આથી ઘણા લોકો ખાનગી તપાસ એજન્સીઓની મદદ લેતા હોવાનું સામે આવ્યું છે. હવે ફક્ત માણસ જ નહીં, પણ આધુનિક ટેકનોલોજીના ગેજેટ્સ પણ આ કામમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. કોઈન સાઈઝના લોકેશન ટ્રેકર, પાવર બેંકમાં છુપાયેલા કેમેરા, ચાવીના છિદ્ર જેવા દેખાતા નાના કેમેરા અને મેગ્નેટિક ઓડિયો ટ્રેકર જેવા સાધનોની માંગ વધી છે.

સુરત અને ગોવામાં ડિટેક્ટિવ એજન્સી ચલાવતા પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન તેમનું 70 ટકા કામ વધી જાય છે. લોકો પોતાના પાર્ટનર પર શંકા હોય ત્યારે સંપર્ક કરે છે, તો કેટલાક માતા-પિતા પોતાના સંતાન ક્યાં જાય છે, કોની સાથે ફરે છે કે ડ્રગ્સ કે દારૂના રવાડે ચઢી ગયા છે કે કેમ તે જાણવા માટે એજન્સીની મદદ લે છે.

નવરાત્રિમાં ડિટેક્ટિવ માટે લેવાતા ખર્ચની વાત કરીએ તો અમદાવાદમાં સ્થાનિક ગણાતા વિસ્તારના આધારે દરરોજ રૂ. 4,500થી શરૂ થતો ખર્ચ થાય છે. વધુ ઊંડી તપાસ કરવાની જરૂર પડે તો ખર્ચ વધે છે. સુરતની કંપનીઓ તરફથી ખાસ નવરાત્રી પેકેજ પણ આપવામાં આવે છે, જેમાં રૂ. 7,000થી લઈને 60,000 સુધીનો ચાર્જ લેવામાં આવે છે. એક કરતાં વધુ ડિટેક્ટિવ કે કપલને મોકલવું પડે તો તેનો અલગ ખર્ચ ગણાય છે.

અમદાવાદની સ્નૂપ ડિટેક્ટિવ એજન્સીના અભિષેક રામીએ વર્ષ 2025ની નવરાત્રિનો એક ચોંકાવનારો કિસ્સો યાદ કર્યો. તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા એક NRIએ પોતાની પત્ની પર શંકા જતાં તપાસ કરાવી હતી. મહિલા દર ત્રણ-ચાર મહિને અમદાવાદ આવતી. ખાસ કરીને નવરાત્રિમાં તેનું આવવું વારંવાર થતું હોવાથી ક્લાયન્ટને શંકા થઈ. ડિટેક્ટિવે મહિલાનું ફોલોઅપ કર્યું. તપાસમાં સામે આવ્યું કે મહિલાનો અમદાવાદમાં બીજો પરિવાર છે, જેમાં તેનો પતિ અને બાળકો પણ સામેલ છે.

તપાસ દરમિયાન ખબર પડી કે મહિલાનો પહેલાં વિદેશ જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ મેટ્રિમોનિયલ માધ્યમથી ઓસ્ટ્રેલિયાના વ્યક્તિ સાથે લગ્ન થયા અને તે ઓસ્ટ્રેલિયા ગઈ. પરંતુ અમદાવાદમાં રહેતા પરિવાર સાથે તેનો સંબંધ ચાલુ રહ્યો. આખો મામલો વિઝા મેળવવા સાથે જોડાયેલો હોવાની ધારણા પણ વ્યક્ત થઈ છે.

અભિષેક રામીએ કહ્યું કે 70 ટકા કેસોમાં તપાસ દરમિયાન કોઈને કોઈ માહિતી કે પુરાવો મળી જ આવે છે. ક્યારેક તો ગ્રાહકની અપેક્ષા કરતાં પણ ઘણી વધુ બાબતો બહાર આવે છે. તેમણે ઉમેર્યું કે બદલાતી જીવનશૈલી અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે સંબંધોમાં પણ ઝડપી પરિવર્તન આવ્યું છે, જે આવા કેસો વધવાનું મુખ્ય કારણ બની રહ્યું છે.

આ અહેવાલમાં ડિટેક્ટિવ એજન્સીઓના દાવાઓનો સમાવેશ છે. સંબંધો અંગેની વ્યક્તિગત તપાસ એ ખાનગી બાબત છે અને તે કાનૂની મર્યાદામાં જ થવી જોઈએ.