આ વર્ષે નવરાત્રીમાં અમદાવાદ અને સુરત સહિત ગુજરાતના જાણીતા બજારોમાં ચણિયાચોળીની ખરીદી અને કસ્ટમાઇઝેશનનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર રંગ અને ડિઝાઇન જ નહીં, પરંતુ પીકોક થીમ, મૂન એમ્બ્રોડરી, બારલુ, હેન્ડવર્ક અને અલગ-અલગ શેડ્સવાળા દુપટ્ટા પણ લોકોને ખૂબ ગમી રહ્યા છે. આ ઉત્સાહને લીધે ફેશન ડિઝાઇનર્સ અને બુટિક્સમાં ઓક્ટોબર સુધીના બુકિંગ અત્યારથી જ ફૂલ થઈ ગયા છે. દેશ તેમજ વિદેશથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીએ બુકિંગમાં 30 ટકાનો વધારો થયો છે.
આજના 'Gen Z' ક્રાઉડમાં પરંપરાગત હેવી ચણિયાચોળી કરતા મોર્ડન ઇન્ડો-વેસ્ટર્ન અને પેસ્ટલ શેડ્સવાળા પોશાક પહેરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યુવક-યુવતીઓ અતિશય ભારે વર્કની જગ્યાએ સ્પેગેટી, હોલ્ટર નેક, સ્લીવલેસ વિથ ટેસલ્સ અને હળવા વજનના (લાઇટવેઇટ) સ્ટાઇલિશ કપડાંને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ઉપરાંત, મૂળ કચ્છી આભલા વર્કની ચણિયાચોળી અત્યંત કિંમતી હોવાથી નવરાત્રીના દસેય દિવસ અલગ-અલગ ડ્રેસ પહેરવા ઇચ્છતા યુવાનો માટે તે બજેટ બહાર જતું હોય છે. આથી, આર્થિક રીતે પોસાય તેવા, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ વિકલ્પ તરીકે ઇન્ડો-વેસ્ટર્ન ડિઝાઇન અત્યારે યુવા વર્ગમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે.
નવરાત્રીમાં સામાન્ય રીતે લાલ, પીળો કે ઘાટો લીલો જેવા પરંપરાગત કલર્સ વધુ પહેરાતા હોય છે, પરંતુ આ વર્ષે તેના સ્થાને પેસ્ટલ કલર્સનો ટ્રેન્ડ 100% જોવા મળી રહ્યો છે. મોટા આયોજનોમાં રમતા ખેલૈયાઓ અને ગ્રૂપ્સ ખાસ ડ્રેસકોડ માટે પેસ્ટલ શેડ્સ પસંદ કરી રહ્યા છે. સુરતના ફેશન ડિઝાઇનર ગ્રીષ્મા માસ્તરે જણાવ્યું કે, અત્યારનું જેન-ઝી ક્રાઉડ ડેફિનેટલી ઇન્ડો-વેસ્ટર્ન વધારે પ્રિફર કરે છે. એનું કારણ છે કે એમાં સ્પેગેટી, હોલ્ટર નેક, સ્લીવલેસ વિથ ટેસલ્સ અને બહુ જ લાઇટવેઇટ ચણિયાચોળીના વિકલ્પો મળે છે. જ્યારે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મેદાનમાં રમે છે, ત્યારે મોટાભાગના લોકો ટ્રેડિશનલ ડાર્ક કલર્સ પહેરે છે. એવામાં બધા કરતાં અલગ અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે યુવા ગ્રૂપ્સે પેસ્ટલ કલર્સ પસંદ કર્યા છે, કારણ કે મેદાનની મોટી હેલોજન લાઇટ્સમાં આ કલર્સ તરત જ હાઇલાઇટ થાય છે. આ લાઇટ શેડ્સ ખેલૈયાઓને એક સોફિસ્ટિકેટેડ અને ટ્રેન્ડી અંદાજ આપે છે.
ગ્રીષ્મા માસ્તરે કહ્યું કે, જ્યારે તમે સતત 5થી 8 કલાક ગરબે ધમધોકાર રમો છો, ત્યારે કોટન કાપડ પરસેવો શોષી લે છે અને સાથે-સાથે ખેલૈયાઓને સુંદર ગ્રેસ, મોટો ફ્લેર (ઘેર) તથા એક અનોખી પર્સનાલિટી પૂરી પાડે છે. 11 દેશોમાં ગ્રાહકો ધરાવતા ડિઝાઇનરે સ્પષ્ટ કર્યું કે, જ્યારે વિદેશમાં વસતા NRI ગ્રાહકોની વાત આવે છે, ત્યારે તેમનો ઝોક સંપૂર્ણપણે આપણી સંસ્કૃતિ તરફ રહે છે.
આજે ભાડે એક દિવસના ચણિયાચોળી લેવા જાઓ તો રૂ.2500થી 3000 ખર્ચાઈ જાય છે, જ્યારે હાલના બજારમાં 3 હજારથી 4 હજારમાં તો રોજના નવા ચણિયાચોળી ખરીદીને પહેરી શકાય તેવી ઉત્તમ વેરાઇટી ઉપલબ્ધ છે. જે યુવાનો દર વર્ષે નવો ખર્ચ ન કરવા માંગતા હોય, તેમના માટે મિક્સ-એન્ડ-મેચ કોન્સેપ્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે. જૂના ચણિયા સાથે નવું બ્લાઉઝ, કોન્ટ્રાસ્ટ કે મેચિંગ દુપટ્ટો અને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે નવી સ્ટાઇલમાં ડ્રેપિંગ કરીને જૂના આઉટફિટને પણ એકદમ નવો અને ફ્રેશ લૂક આપી શકાય છે.
અમદાવાદના ફેબુરા બુટિકના ઓનર કિંજલ ઠક્કરે જણાવ્યું કે, આ વખતે શેરી અફેરમાં વ્હાઇટ, પિંક બટરફ્લાયમાં પિંક, રાતલડીમાં રેડ આમ અત્યારે સૌથી વધુ આ કલર ટ્રેડિંગમાં છે. પરંતુ અત્યારે આનાથી પણ વધારે શેડ વાળા દુપટ્ટા, પીકોક થીમ વાળા દુપટ્ટા અને એમ્બ્રોડરી વાળા દુપટ્ટા મૂન એમ્બ્રોડરી વાળા દુપટ્ટા પણ ખૂબ જ ટ્રેડિંગમાં છે.
અત્યારે લોકોમાં ફ્લેર વાળા ચણિયાની ખૂબ મોટી ડિમાન્ડ આવી રહી છે. લોકો આંગી બ્લાઉઝ અને પોતાના ફેવરિટ કલર અથવા ગરબા નાઇટ માટે સુટેબલ કલર વાળા ચણિયાવોળી કસ્ટમાઈઝ કરાવવા માટે આવતા હોય છે.