સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ શોપિંગ: ઝમકુડી અને ઘેરવાળી ચોળીની ધૂમ, ભાવમાં 25% ઉછાળો

નવરાત્રિ શોપિંગ: ઝમકુડી અને ઘેરવાળી ચોળીની ધૂમ, ભાવમાં 25% ઉછાળો

નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની બજારોમાં ચણિયાચોળી, જ્વેલરી અને મોજડીની ખરીદી માટે ભીડ ઉમટી છે. આ વખતે ઝમકુડી, કચ્છી વર્ક, રજવાડી પ્રિન્ટ, મલ્ટી-કલર ફ્લેર્ડ અને ઘેરવાળી ચણિયાચોળીની માંગ વધુ છે.

બજારમાં ₹2,000થી લઈને ₹10,000 સુધીની ચણિયાચોળી મળી રહી છે. યુવતીઓમાં ઓક્સિડાઈઝ્ડ નેકલેસ, મોટા ઝુમખા, કડા, કમરપટ્ટા, મિરર અને થ્રેડ વર્કવાળી ક્રાફ્ટ જ્વેલરી તેમજ ટ્રેડિશનલ મોજડી પણ પસંદ બની રહી છે. 9 દિવસ માટે સ્પેશિયલ રેન્ટલ પેકેજ પણ ઉપલબ્ધ છે, જેમાં ₹7,500માં ચણિયાચોળીથી લઈને મોજડી સહિતની મેચિંગ વસ્તુઓ મળે છે.

અમદાવાદના લો ગાર્ડન, નેહરુ નગર, લાલ દરવાજા, ભદ્રકાળી અને રતનપોળ સહિતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દુકાનદાર રાકેશભાઈએ જણાવ્યું કે, આ વર્ષે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યુવતીઓમાં નવા ડિઝાઇન અને ટ્રેડિશનલ લુકવાળી ચણિયાચોળીની ડિમાન્ડ વધુ છે. અન્ય દુકાનદાર મીનાબેને કહ્યું કે, આભલા વર્ક, કચ્છી વર્ક, રજવાડી પ્રિન્ટ અને હેવી બોર્ડરવાળી ચણિયાચોળી ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

રાજકોટમાં છેલ્લા બે વર્ષથી ચણિયાચોળીમાં દુપટા સાથે સિમ્પલ ડિઝાઇન યુવતીઓ માટે પહેલી પસંદ બની છે. નીલમબા ઝાલાએ જણાવ્યું કે, મંડળી ગરબાનો ક્રેઝ હોવાથી સ્પેગેટી ચોળી અને ઘેરવાળા ચોળીની ખૂબ ડિમાન્ડ છે. બજારમાં એક દિવસ માટે સિંગલ ઉપરાંત 3 દિવસ, 5 દિવસ અને 9 દિવસ માટે સ્પેશિયલ પેકેજ બુકિંગ પણ થઈ રહ્યા છે.

રાજકોટની યુનિવર્સિટી રોડ પર આવેલી સખી બુટીકના મેઘના હાડાએ જણાવ્યું કે, આ વર્ષે પ્રથમ વખત ચણિયાચોળી રેન્ટ પર આપવાની શરૂઆત કરી છે. હાલમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારી પાસે હેન્ડ વર્ક ડિઝાઇન, સ્ટોન ડિઝાઇન, આભલા ડિઝાઇન અને મિરર વર્કવાળી ચોળી ઉપલબ્ધ છે. આ વર્ષે વેસ્ટર્ન કલ્ચરની ચોળીની પણ ડિમાન્ડ છે, જોકે છોકરીઓ સિમ્પલ અને વજનમાં હળવી ચોળી વધુ પસંદ કરી રહી છે.

સુરતના અડાજણમાં આનંદમહલ રોડ પર ચણિયાચોળી અને પરંપરાગત આભૂષણોની અસ્થાયી દુકાનો અને સ્ટોલ્સ સજી ગયા છે. વેપારી તુષાર ધરોળિયાએ જણાવ્યું કે, આ વખતે માર્કેટમાં અગાઉ કરતાં વધુ શ્રેષ્ઠ વેરાયટીઓ ઉપલબ્ધ છે. મુખ્ય માંગ ઘેરવાળી ચણિયાચોળીની છે. નવીન કલેક્શનમાં કચ્છી અજરખ અને રિયલ મિરર વર્કની પણ માંગ છે.

ગ્રાહક હેમાંગી ગુરબાનીએ જણાવ્યું કે, નવરાત્રિમાં સ્પર્ધા માટે નવ દિવસના વિવિધ ડિઝાઇન અને કલરની ચોળી તથા ઓર્નામેન્ટ્સ અગાઉથી બુક કરાવવામાં આવે છે. આ થોડું અઘરું છે, પરંતુ અગાઉથી બુકિંગ કરી દઈએ તો નવરાત્રિ દરમિયાન સમય બગડતો નથી. અમે ચણિયાચોળી પહેરી ગરબે રમવા ખૂબ ઉત્સાહિત છીએ.