સત્ય. સાહસ. સંકલ્પ.

વિજયાદશમી પહેલાં ઘરમાં લગાવો આ 5 છોડ, સુખ-સમૃદ્ધિ માટે શુભ મનાય છે

વિજયાદશમી પહેલાં ઘરમાં લગાવો આ 5 છોડ, સુખ-સમૃદ્ધિ માટે શુભ મનાય છે

શારદીય નવરાત્રિ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ભક્તો માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ, સજાવટ અને પૂજા સાથે જોડાયેલી અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ સાથે ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવવા પણ શુભ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી, હરશિંગાર, મોરપંખી, મની પ્લાન્ટ અને લાલ જાસૂદ જેવા છોડ ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ લાવે છે. આ છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે વાતાવરણને હરિયાળું અને તાજગીભર્યું બનાવવામાં પણ મદભ કરે છે. જો તમે વિજયાદશમી પહેલાં ઘરે શુભતાનું પ્રતીક માનવામાં આવતો છોડ લગાવવા ઇચ્છતા હો, તો નીચે જણાવેલા છોડમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.

1. તુલસીનો છોડ
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું કહેવાય છે. ઘણા ઘરોમાં દરરોજ તુલસીની પૂજા કરવાની પરંપરા છે. નવરાત્રિ દરમિયાન પણ તુલસીની નિયમિત સંભાળ રાખવી અને સાંજે તેની પાસે દીવો પ્રગટાવવો શુભ મનાય છે. તુલસીને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

2. પારિજાતનો છોડ
હરશિંગાર, જેને પારિજાત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સફેદ ફૂલો અને મનમોહક સુગંધ માટે જાણીતો છે. ધાર્મિક માન્યતાઓમાં આ છોડનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં હરશિંગારનો છોડ લગાવવાથી સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. આંગણામાં કે બગીચામાં સુંદર અને સુગંધિત છોડ ઉગાડવા માટે હરશિંગાર સારો વિકલ્પ બની શકે છે.

3. મોરપંખીનો છોડ
મોરપંખીનો છોડ તેની લીલીછમ અને મોરનાં પીંછાં જેવી દેખાતી રચના માટે ઘરની સજાવટમાં પસંદ કરવામાં આવે છે. તેને કેટલીક જગ્યાએ વિદ્યા અને પ્રગતિ સાથે પણ જોડીને જોવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન આ છોડ ઘરે લગાવવો શુભ ગણાય છે. ઘરના પ્રવેશદ્વાર, બાલ્કની કે બગીચામાં તેને લગાવીને હરિયાળી વધારી શકાય છે.

4. મની પ્લાન્ટ
મની પ્લાન્ટ ઘરમાં ઉગાડવામાં આવતા લોકપ્રિય છોડમાંનો એક છે. તેની ખાસિયત એ છે કે તેને યોગ્ય કાળજી સાથે ઘરની અંદર પણ ઉગાડી શકાય છે. વાસ્તુ સંબંધિત માન્યતાઓમાં તેને ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ છોડ ઘરે લગાવવો શુભ મનાય છે. તેની લીલીછમ વેલ ઘરની સુંદરતા વધારે છે અને તાજગીભર્યું વાતાવરણ જાળવવામાં મદભ કરે છે.

5. લાલ જાસૂદનો છોડ
લાલ જાસૂદનું ફૂલ માતા દુર્ગાની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. અનેક ધાર્મિક પરંપરાઓમાં મા દુર્ગાને લાલ જાસૂદનાં ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ ફૂલનો લાલ રંગ શક્તિ અને ભક્તિનું પ્રતીક મનાય છે. તેથી નવરાત્રિ દરમિયાન ઘરે લાલ જાસૂદનો છોડ લગાવવો શુભ મનાય છે. યોગ્ય સૂર્યપ્રકાશ અને નિયમિત પાણી મળે તો આ છોડ સુંદર ફૂલો આપે છે અને આંગણાની શોભા વધારે છે.

ડિસ્ક્લેમર: આ છોડ સાથે જોડાયેલી સુખ-સમૃદ્ધિ અને શુભતાની વાતો ધાર્મિક તથા વાસ્તુ માન્યતાઓ પર આધારિત છે. છોડ લગાવતી વખતે તેની જરૂરિયાત મુજબ સૂર્યપ્રકાશ, પાણી અને યોગ્ય જગ્યાનું ધ્યાન રાખવું જરૂરી છે.