ગુજરાતમાં નવરાત્રિ 2026નો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ વર્ષે અનેક જાણીતા ગાયકો વિવિધ શહેરોમાં પરફોર્મ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે અને ઈશાની દવે સહિતના ગાયકો ગરબા રમાડશે.
ગાયક હાર્દિક દવેએ જણાવ્યું કે, "છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમે ઘણી બાબતો બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમાંનો એક પ્રયત્ન આપણી ડિક્ષનરી અને શબ્દકોશ બદલવાનો છે. અમે વેન્યૂ નથી કહેતા, ગરબી ચોક કહીએ છીએ. સશક્ત નવરાત્રિ એ પ્રયત્ન છે જેમાં નવરાત્રિના અસલી અર્થ સુધી પહોંચવાનો સભાન પ્રયાસ અમે કરીએ છીએ."
તેમણે વધુમાં કહ્યું, "અમે દર વર્ષે નવા નવા ગરબા લાવીએ છીએ. અમારું માનવું છે કે સર્જનાત્મકતા દર વર્ષે થવી જોઈએ. દર વર્ષે 60થી 70 ટકા નવાં લોકગીતો કમ્પોઝ કરીએ છીએ અને તેમાં માતાજીના શબ્દો લખીને ગાઈએ છીએ."
હાર્દિક દવેએ જણાવ્યું કે આ વર્ષે તેમની નવરાત્રિ સોલા ભાગવતની જગ્યાએ યોજાઈ રહી છે. તેમનું ગ્રુપ મોટું હોવાથી સ્થળ બદલવાની શક્યતા પણ છે, પરંતુ હાલ આ જગ્યા નક્કી છે.
તૈયારી અંગે તેમણે કહ્યું, "નવરાત્રિની તૈયારી અમારી આખા વર્ષની હોય છે. નવરાત્રિના નવ દિવસ પહેલાંના આખા મહિનામાં અમે રોજ મળીએ છીએ, વાંચન કરીએ છીએ, માતાજી પરની પુસ્તકો વાંચીએ છીએ અને ધ્યાન કરીએ છીએ."
બીજી તરફ, ગાયક અપેક્ષા પંડ્યાએ સુરતના ખેલૈયાઓને નવરાત્રિ 2026 માટે આમંત્રણ આપતાં જણાવ્યું કે, આ વર્ષે 'સૂર તાલ ને સંગ રાસરંગ નવરાત્રિ 2.0'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવે નવ દિવસ પ્રાચીન-અર્વાચીન ગરબા, નવાં દેશી લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોની રમઝટ બોલાવવામાં આવશે. આ ઉત્સવ મોટા વરાછા ન્યૂ આઉટર રિંગ રોડ સ્થિત અયોધ્યા એસી બેન્કવેટ ડોમ ખાતે યોજાશે.
જાણીતા ગાયક ફાલ્ગુની પાઠક આઠ વર્ષ બાદ સુરતમાં નવરાત્રિ કરવા આવી રહ્યા છે. 22 ઓક્ટોબરે યશ્વી નવરાત્રિમાં તેઓ સુરતીઓને ગરબે ગુમાવશે. આ વર્ષે પૂર્વા મંત્રી સુરતમાં આયોજિત સૌથી મોટી નવરાત્રિ 'યશ્વી નવરાત્રિ 3.0'માં પરફોર્મ કરશે. તેમણે ઉત્સાહપૂર્વક કહ્યું કે, આ ઈવેન્ટમાં પરંપરાગત રંગ, ખૂબ વધારે ઉર્જા અને ઢોલના તાલે ધમાલ જોવા મળશે.