આ વર્ષે 11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવે છે. નવરાત્રિમાં માતાજીની સાધના સાથે કેટલાક નિયમો પણ જોડાયેલા છે. માન્યતા અનુસાર, આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો સાધનાનું પૂર્ણ ફળ મળતું નથી.
જો તમે ઘરમાં માતાજીનું ઘટસ્થાપન કર્યું હોય અને અખંડ દીપક પ્રગટાવ્યો હોય, તો ઘર બંધ કરીને બહાર જવું સારું મનાતું નથી. ઘર ખાલી ન છોડવું અને ખાસ કરીને જ્યાં સ્થાપના કરી હોય તે જગ્યા સ્વચ્છ રાખવી. આ નિયમનું ધ્યાન ન રાખવાથી સાધનાનું ફળ મળતું નથી એવી માન્યતા છે.
નવરાત્રિ દરમિયાન નખ કાપવા, મુંડન કરાવવું કે શેવિંગ કરવું વર્જિત મનાય છે. જોકે બાળકનું પહેલી વખત મુંડન કરાવવું શુભ ગણાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં સૂવું જોઈએ નહીં. લસણ અને ડુંગળીનો ઉપયોગ પણ વર્જિત છે.
નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઈએ. સિલાઈનું કામ કરવું અને ગંદા કે ધોયા વગરના કપડાં પહેરવા પણ વર્જિત મનાય છે. વ્રત દરમિયાન લસણ-ડુંગળી સાથે મીઠું પણ ન લેવું જોઈએ, મસાલાવાળો અને તેલવાળો આહાર ટાળવો જોઈએ. મગફળી, ફળ અને દૂધ લઈ શકાય છે.
જો તમે અનુષ્ઠાન કરી રહ્યા હો — ભલે તે દુર્ગા ચાલીસા હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું — તો તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. સાધના માટે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું: સમય, આસન અને અવધિ. નવ દિવસ એક જ સમયે મંત્રજાપ કે ચાલીસા શરૂ કરો અને નક્કી કરેલા સમયમાં જ પૂર્ણ કરો. જે સ્થળ અને આસન વાપરો તેમાં પણ નવ દિવસ સમાનતા જાળવવી.