સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ 2026: પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને મહત્વ

નવરાત્રિ 2026: પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા, જાણો વિધિ, મંત્ર અને મહત્વ

નવરાત્રિ 2026નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. મા શૈલપુત્રીને હિમાલયરાજની પુત્રી માનવામાં આવે છે. 'શૈલ' એટલે પર્વત કે પથ્થર. તેમની ઉપાસનાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે અને ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધી શકાય છે.

નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે. પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ થાય છે. માન્યતા છે કે મા શૈલપુત્રીની કથા સાંભળવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

મા શૈલપુત્રીનું વાહન વૃષભ (બળદ) છે. તેમને દેવી સતીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવી સતીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. નવરાત્રિમાં અપરિણીત કન્યાઓ તેમની સાધના કરે છે, જેથી યોગ્ય વર મળે એવી માન્યતા છે.

મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનો ખાસ મહત્વ છે. માતાનો પ્રિય રંગ સફેદ હોવાથી સફેદ ફૂલો અને રસગુલ્લા જેવી સફેદ મીઠાઈ ચઢાવવામાં આવે છે.

પૌરાણિક કથા: પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. તેમણે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું નહીં. સતી આમંત્રણ વગર પણ પિતાના ઘરે જવા તૈયાર થઈ. ભગવાન શિવે સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી, પણ સતી ન માની.

યજ્ઞમાં સતી સાથે તેમની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. પતિનું અપમાન સહન ન થતાં સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કરી લીધો. ભગવાન શિવને આ સમાચાર મળતાં તેમણે ગણને દક્ષ પાસે મોકલી યજ્ઞનો નાશ કરાવ્યો. ત્યાર પછીના જન્મમાં સતીનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો, જે મા શૈલપુત્રી તરીકે પૂજાય છે.

મંત્ર:
બીજ મંત્ર: ॐ देवी शैलपुत्र्यै नमः
ધ્યાન મંત્ર: वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥

પૂજાના લાભ: મા શૈલપુત્રીની ઉપાસનાથી મૂળ ચક્ર જાગૃત થાય છે. જીવનમાં સ્થિરતા અને મનોબળ વધે છે. અપરિણીત કન્યાઓને યોગ્ય વર મળવાની માન્યતા છે.

નોંધ: આ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. abp અસ્મિતા કોઈપણ માન્યતા કે માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.