નોર્વેની નોબેલ સમિતિએ વર્ષ 2026નો શાંતિનો નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના વકીલ નવનીતમ નાવી પિલ્લાઈને આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના ડરબનમાં જન્મેલાં પિલ્લાઈએ રંગભેદ વિરુદ્ધ લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોના વકીલ તરીકે કામ કર્યું હતું.
તેમને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા તથા આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવશે. પિલ્લાઈનો જન્મ દક્ષિણ આફ્રિકામાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં થયો હતો.
પિલ્લાઈના પાંચ મહત્ત્વના યોગદાન:
1. રંગભેદ સામે લડત: દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે તેમણે રંગભેદની નીતિનો વિરોધ કરનારા કાર્યકર્તાઓનો બચાવ કર્યો. રાજકીય કેદીઓના અધિકારો માટે પણ કામ કર્યું.
2. મહિલાઓના અધિકારો: 1985માં તેમણે 'ઇક્વાલિટી નાઉ' નામના આંતરરાષ્ટ્રીય સંગઠનની સહ-સ્થાપના કરી, જે મહિલાઓ અને છોકરીઓના અધિકારો માટે કામ કરે છે.
3. આંતરરાષ્ટ્રીય અપરાધો પર સુનાવણી: 2003માં તેઓ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ન્યાયાધીશ બન્યાં. અહીં નરસંહાર, યુદ્ધ અપરાધ અને માનવતા સામેના અપરાધો સંબંધિત કેસોની સુનાવણી થાય છે.
4. સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોની રક્ષા: 2008થી 2014 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ તરીકે કામ કર્યું. આ દરમિયાન વિશ્વભરમાં માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવા અને દોષિતોની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂક્યો.
5. દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસ રચ્યો: 1967માં તેઓ નટાલ પ્રાંતમાં વકીલાત શરૂ કરનારાં પ્રથમ મહિલા બન્યાં. પાછળથી દક્ષિણ આફ્રિકાની હાઇકોર્ટમાં ન્યાયાધીશ બનનારાં પ્રથમ અશ્વેત મહિલા પણ બન્યાં.
રવાંડા નરસંહારના કેસમાં ઐતિહાસિક ભૂમિકા
પિલ્લાઈની કારકિર્દીનો સૌથી મહત્ત્વનો તબક્કો રવાંડામાં નરસંહાર સાથે જોડાયેલા કેસોની સુનાવણી રહ્યો. 1994માં રવાંડામાં મોટા પાયે નરસંહાર થયો હતો, જેમાં તુત્સી સમુદાયના લોકોની મોટા પાયે હત્યા કરવામાં આવી હતી.
ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રએ અપરાધીઓને સજા અપાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ બનાવ્યું. 1995માં પિલ્લાઈ આ ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયાં. તેમણે 1999થી 2003 સુધી તેના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું.
શાંતિનો નોબેલ સ્વિડનને બદલે નોર્વેમાં કેમ?
નોબેલના બાકીના પુરસ્કારો સ્વિડનમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિનો નોબેલ નોર્વેની રાજધાની ઓસ્લોમાં આપવામાં આવે છે. આનું કારણ લગભગ 130 વર્ષ જૂનું છે. આ વ્યવસ્થા ખુદ અલ્ફ્રેડ નોબેલે પોતાની વસિયતનામામાં નક્કી કરી હતી.
1895માં લખેલી પોતાની વસિયતનામામાં નોબેલે નક્કી કર્યું હતું કે શાંતિ પુરસ્કારનો નિર્ણય નોર્વેની સંસદ દ્વારા ચૂંટાયેલી સમિતિ કરશે. તે સમયે સ્વિડન અને નોર્વે એક જ રાજાના શાસન હેઠળ હતા, જોકે બંનેની પોતાની સંસદ અને અલગ રાજકીય વ્યવસ્થા હતી.
નોબેલે એ સ્પષ્ટ કર્યું નહોતું કે શાંતિ પુરસ્કાર માટે તેમણે નોર્વેની જ પસંદગી કેમ કરી. નોબેલનું 1896માં અવસાન થયું અને 1901થી પુરસ્કારો આપવાની શરૂઆત થઈ. તે સમયે સ્વિડન અને નોર્વે એક યુનિયનમાં હતા.
1905માં બંને દેશો અલગ થઈ ગયા, પરંતુ નોબેલની વસિયતનામામાં શાંતિ પુરસ્કાર માટે નોર્વેને આપવામાં આવેલી જવાબદારી ચાલુ રહી. આ જ કારણસર આજે પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેડિસિન, સાહિત્ય અને અર્થશાસ્ત્રના નોબેલ સ્વિડનમાં, જ્યારે શાંતિનો નોબેલ નોર્વેમાં આપવામાં આવે છે.