ઋતુ બદલાતાં ઘરમાં મચ્છરોની સમસ્યા વધી જાય છે. ખાસ કરીને સાંજ પડતાં ઘરના ખૂણા અને દરવાજા પાસે મચ્છરો ઉડવા લાગે છે. ઘણા લોકો મચ્છર ભગાડવા માટે મોસ્કિટો કોઈલ, સ્પ્રે કે અન્ય રિપેલન્ટ વાપરે છે. પણ આવા કેમિકલવાળા રિપેલન્ટ શ્વસનતંત્ર માટે નુકસાનકારક બની શકે છે.
આવામાં ઇન્ટરનેટ પર લોકપ્રિય પૂનમ દેવનાનીએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લીંબુની છાલ, લીમડાના પાન, કપૂર, લવિંગ અને તજ વાપરીને ઘરે જ કુદરતી દીવો બનાવવાની રીત જણાવી છે. આ દીવો મચ્છરોને દૂર રાખવામાં મદડે છે અને ઘરમાં સુગંધ પણ ફેલાવે છે.
જરૂરી સામગ્રી:
- 1 લીંબુ
- થોડાં લીમડાના પાન
- થોડું રૂ (દિવેટ માટે)
- લીમડાનું તેલ અથવા સરસવનું તેલ
- 2-3 ટુકડા કપૂર
- 5-6 લવિંગ
- 1 નાનો તજનો ટુકડો
બનાવવાની રીત:
- લીંબુને વચ્ચેથી કાપીને રસ કાઢી લો. ચમચીથી અંદરનો ગર સાફ કરો, જેથી અડધી છાલ વાટકી જેવી થઈ જાય.
- લીમડાના પાન સૂકવીને હળવા હાથે ચૂરો કરી લીંબુની છાલમાં તળિયે પાથરો.
- રૂમાંથી નાની દિવેટ બનાવીને છાલની વચ્ચે મૂકો.
- દિવેટ અને પાન પર લીમડાનું તેલ રેડો. લીમડાનું તેલ ન હોય તો સરસવનું તેલ વાપરી શકાય.
- દિવેટની આસપાસ કપૂરના ટુકડા મૂકો. લવિંગ અને તજનો ભૂકો પણ છાંટો. જરૂર પડે તો થોડું વધુ તેલ ઉમેરો.
- દીવો પ્રગટાવીને ઘરના જ્યાં મચ્છર વધુ હોય ત્યાં મૂકો. જરૂર પડે તો 2-3 દીવા અલગ-અલગ ખૂણામાં રાખો.
પૂનમ દેવનાનીના જણાવ્યા અનુસાર, લીંબુ, લીમડો, લવિંગ, કપૂર અને તજના મિશ્રણમાંથી નીકળતી સુગંધથી મચ્છરો તરત દૂર ભાગે છે. સાંજે આ દીવો પ્રગટાવવાથી ઘરમાં મચ્છર ઓછા થાય છે અને ઘર તાજગીભરી સુગંધથી મહેકી ઉઠે છે.
નોંધ: આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે છે. તેના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થયેલી નથી.