સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની નટરાજ હાઈસ્કૂલને DEOની નોટિસ: પરીક્ષામાં 318 વિદ્યાર્થી ગેરહાજર, ડમી પ્રવેશની શંકા

અમદાવાદની નટરાજ હાઈસ્કૂલને DEOની નોટિસ: પરીક્ષામાં 318 વિદ્યાર્થી ગેરહાજર, ડમી પ્રવેશની શંકા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ હાઈસ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. શાળામાં ધોરણ 9 થી 12ના 318 વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગેરહાજર રહ્યા હોવાનું તપાસમાં જણાયું છે. આ ઉપરાંત શાળાના 5 શિક્ષકોની પગાર ફાઇલ પાંચ વર્ષથી જમા કરાવવામાં આવી નથી.

DEOએ શાળા પાસેથી ખુલાસો માંગ્યો છે અને 11 નવેમ્બરે સુનાવણી માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. તપાસ બાદ શાળાને ગેરહાજર વિદ્યાર્થીઓની સંપૂર્ણ યાદી રજૂ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ શાળા તેમ કરવામાં નિષ્ફળ રહી છે. શિક્ષણ વિભાગને શંકા છે કે આ વિદ્યાર્થીઓ ડમી (ખોટા) પ્રવેશ ધરાવતા હોઈ શકે છે. સુનાવણી દરમિયાન વર્ગોની સંખ્યા ઘટાડવાના પ્રસ્તાવ પર પણ વિચારણા થશે. શાળા સંચાલકોને સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ નટરાજ સ્કૂલ નિયમોને લઈને વિવાદમાં આવી ચૂકી છે. શાળામાં કાર્યરત શિક્ષકોના પગાર ફાઇલ ઉપરાંત 6 કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત પણ જમા કરાવવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓને મળવાપાત્ર આર્થિક લાભથી વંચિત રહેવું પડ્યું છે. DEOએ શાળાને એક દિવસમાં તમામ માહિતી રજૂ કરવા નોટિસ આપી છે.