સત્ય. સાહસ. સંકલ્પ.

બેંક કર્મચારીઓની આવતીકાલે દેશવ્યાપી હડતાળ: ગુજરાતના 75 હજાર કર્મચારીઓ સામેલ થશે

બેંક કર્મચારીઓની આવતીકાલે દેશવ્યાપી હડતાળ: ગુજરાતના 75 હજાર કર્મચારીઓ સામેલ થશે

આવતીકાલે, 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મચારીઓ '5 ડે બેંકિંગ' અને અન્ય પડતર પ્રશ્નો માટે દેશવ્યાપી હડતાળ કરશે. આ હડતાળમાં ગુજરાતના આશરે 75 હજાર બેંક કર્મચારીઓ જોડાશે, જેનાથી રાજ્યમાં અંદાજે ₹15 હજાર કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાઈ જવાની આશંકા છે.

બેંક યુનિયનોની મુખ્ય માંગણી અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજ લાગુ કરવાની છે. આ ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે પણ યુનિયનોએ હડતાળનું આહ્વાન કર્યું છે. કેન્દ્રીય લેબર કમિશનર સાથે બે રાઉન્ડની વાટાઘાટો અને બેઠકો યોજાઈ હોવા છતાં કોઈ સાનુકૂળ ઉકેલ ન આવતા કર્મચારીઓએ હડતાળ પર જવાનો આખરી નિર્ણય લીધો છે.

શુક્રવારે 11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળ બાદ શનિવાર અને રવિવારની રજા હોવાથી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.

આંદોલનના ભાગરૂપે આવતીકાલે સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી તમામ બેંક કર્મચારીઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે એકત્રિત થશે અને વિરોધ પ્રદર્શન યોજી પોતાની માંગણીઓ રજૂ કરશે. આ હડતાળને કારણે આવતીકાલે બેંકની શાખાઓમાં વ્યવહારો અટકી શકે છે, જેથી ગ્રાહકોએ પોતાના જરૂરી બેંક કામકાજ પહેલેથી પૂરા કરી લેવા જેવા રહેશે.