સત્ય. સાહસ. સંકલ્પ.

કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ: કાર્તિક, મમૂટી, રણદીપ સહિત સ્ટાર્સ વડોદરા પહોંચ્યા

કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ: કાર્તિક, મમૂટી, રણદીપ સહિત સ્ટાર્સ વડોદરા પહોંચ્યા

ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ આ વખતે પ્રથમ વખત ગુજરાતના કેવડિયા ખાતે યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બરે યોજાનારા આ સમારોહમાં ભાગ લેવા બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા કલાકારો વડોદરા આવી પહોંચ્યા છે.

કાર્તિક આર્યન, સંજય મિશ્રા, રણદીપ હુડ્ડા, મમૂટી, ધનુષ અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી સહિતના સ્ટાર્સ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. કાર્તિક આર્યન આજે સાંજે વડોદરા પહોંચ્યા બાદ કેવડિયા રવાના થયા હતા, જ્યાં હોટેલમાં તેમનું ઢોલ નગારા અને ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના ભાગરૂપે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. વાતાવરણ ખરાબ હોવાના કારણે તેઓ હવાઈ માર્ગને બદલે રોડ માર્ગે કેવડિયા ગયા હતા. વડોદરા એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, મેજર જનરલ મોહિત ગાંધી અને કલેક્ટર ડો. અનિલ ધામેલીયા દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

1954થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એનાયત થતા આ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સમારોહ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવના અને દેશની સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ વખતે ગુજરાતને યજમાની સોંપવામાં આવી છે.

આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ માટે અને મલયાલમ અભિનેતા મમૂટીને ‘ભ્રમયુગમ’ માટે એનાયત કરવામાં આવશે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ યામી ગૌતમને ‘આર્ટિકલ 370’ માટે, શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ રણદીપ હુડ્ડાને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે અને શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ રાજકુમાર પેરિયાસામીને ‘અમરન’ માટે આપવામાં આવશે.

મુખ્ય એવોર્ડ વિતરણ સમારોહ સાંજે 4થી 6 વાગ્યા સુધી ચાલશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આશરે 75 મિનિટના મુખ્ય પ્રોટોકોલ સેશન દરમિયાન વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે સમારોહની શરૂઆત થશે.

સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. ત્યારબાદ તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.