72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ આ વખતે દિલ્હીને બદલે ગુજરાતના કેવડિયા ખાતે યોજાશે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. કેટલાક નેતાઓ અને વિરોધીઓએ સ્થળ બદલવા પર સવાલ ઉઠાવ્યા છે.
આ મુદ્દે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે આલોચકોને જવાબ આપ્યો છે. તેમણે પૂછ્યું કે, "શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે? ગુજરાત પણ આપણા જ દેશનો ભાગ છે." તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યક્રમો હંમેશા દિલ્હી સુધી સીમિત ન રહેવા જોઈએ, પરંતુ દેશના દરેક રાજ્યમાં યોજાવા જોઈએ.
ફિલ્મમેકર રાહુલ ધોળકિયા અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ આ સમારોહ દિલ્હીથી ગુજરાત ખસેડવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
વર્ષ 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ પુરસ્કારોના ઈતિહાસમાં મંત્રાલયે મોટો નીતિગત નિર્ણય લીધો છે. હવે આ ઇવેન્ટ માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાશે. આ નિર્ણયના ભાગરૂપે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ ગુજરાતના કેવડિયા (એકતા નગર) ખાતે યોજાશે, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરશે.
આ પુરસ્કારોમાં વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ્' માટે મમ્મુટીને સંયુક્ત રીતે 'બેસ્ટ એક્ટર'નો એવોર્ડ મળશે. 'આર્ટિકલ 370'ને 'બેસ્ટ ફીચર ફિલ્મ' તરીકે પસંદ કરવામાં આવી છે, અને આ જ ફિલ્મમાં અભિનય માટે યામી ગૌતમને 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ મળશે. રણદીપ હુડાને 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે 'બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર'નો એવોર્ડ મળશે. 'કલ્કી 2898 એડી', 'અમરન', 'પુષ્પા 2', 'ભૂલ ભુલૈયા 3' અને 'સ્ત્રી 2' જેવી ફિલ્મોએ પણ વિવિધ કેટેગરીમાં પુરસ્કાર જીત્યા છે.