ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે 22 સપ્ટેમ્બરે ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે.
વર્ષ 1954થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવતા આ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર યોજાઈ રહ્યો છે. આ વખતે ગુજરાતને યજમાની સોંપવામાં આવી છે, જેને લઈને એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહેમાનો માટે AC જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનોને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક 'બસ બે' વિસ્તારમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહને સફળ બનાવવા માટે 500થી વધુ ટેકનિશિયનો, કારીગરો અને મજૂરોની ટીમ રાત-દિવસ કામ કરી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ 1,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ અને હાઈટેક ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક 'જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ' સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ અને સેન્ટ્રલી એર-કંડિશન્ડ હશે. સાથે જ સમારોહના શાનદાર અનુભવ માટે તેને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સાઉન્ડ અને આધુનિક લાઇટિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહ્યો છે.
'જર્મન ડોમ'નું સ્ટ્રક્ચર અને અંદરના ઈન્ટિરીયરનું કામ આખરી તબક્કામાં છે. હાઈટેક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક સ્ટેજ લાઇટિંગ અને વીઆઈપી લાઉન્જ તૈયાર કરવા માટે સ્પેશિયલિસ્ટ્સ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને દેશના દિગ્ગજ ફિલ્મ કલાકારોના આગમન પહેલા સમગ્ર પરિસરને આકર્ષક રોશની અને થીમ આધારિત ડેકોરેશનથી સજ્જ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આશરે 75 મિનિટના મુખ્ય પ્રોટોકોલ સેશન દરમિયાન વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરાશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત થશે. ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ તેમજ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.
સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. ત્યારબાદ તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આ વખતે એકતાનગરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રપતિ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવા પધારી રહ્યા છે. ઓથોરિટીએ જિલ્લા પ્રશાસન સાથે મળીને આ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ઓથોરિટીનો મુખ્ય હેતુ એ છે કે, અહીં જે સમગ્ર સર્વાંગી અને પ્રવાસન આધારિત વિકાસ થયો છે, તેને એવોર્ડ વિજેતાઓ અને આવનારા તમામ મુલાકાતીઓ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકાય. આપણી વચ્ચે આવનારા તમામ સ્ટાર્સ અને જાણીતી હસ્તીઓ દેશમાં મોટી ઓળખ ધરાવે છે, જેનાથી એકતાનગરને મહત્તમ પ્રસિદ્ધિ મળશે અને લોકો સુધી આ સંદેશ પહોંચશે કે, અહીં કેવા પ્રકારનો વિકાસ થયો છે.