સત્ય. સાહસ. સંકલ્પ.

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ, એકતાનગરમાં ભવ્ય સમારોહ

72મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ, એકતાનગરમાં ભવ્ય સમારોહ

ગુજરાતના એકતાનગર (કેવડિયા) ખાતે આજે 22 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યાથી 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ યોજાઈ રહ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગ છે, કારણ કે 1954માં શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સમારોહ દિલ્હી બહાર યોજાઈ રહ્યો છે અને ગુજરાત તેની યજમાની કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ એકતાનગર જવા રવાના થયા હતા. તેમણે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના ભાગરૂપે આ મુલાકાત કરી છે. આ ઉપરાંત અભિનેતા રણદીપ હુડ્ડા તેમની પત્ની અને બાળક સાથે, તેમજ મમૂટી, ધનુષ અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી પણ રાત્રે વડોદરા પહોંચ્યા હતા. આજે સમારોહને લઈને બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રીઓ સહિતના નેતાઓ કેવડિયા પહોંચી રહ્યા છે.

72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ 'શ્રીકાંત'ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાશે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, 'ભ્રમયુગમ' માટે મમૂટી અને 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક 'બસ બે' (બસ ટર્મિનલ) વિસ્તારમાં મહેમાનો માટે AC જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે, જેમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મહેમાનોને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત કરાશે.

ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ તેમજ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતી ફિલ્મ 'મારણ' વિશે વાત કરીએ તો, યશ સોની અને દીક્ષા જોશી સ્ટારર આ ફિલ્મ 30 મે, 2025ના રોજ રિલીઝ થઈ હતી. અભિષેક જૈનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સમાજમાં મહિલાઓની શોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. વાર્તાનો અસલી વિલન આખી વ્યવસ્થા છે. આ ફિલ્મે અગાઉ 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF)માં બેસ્ટ ફીચર ફિલ્મ (જ્યુરી)નો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર અભિષેક જૈને 10 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કમબેક કર્યું હતું.

નેશનલ ફિલ્મ એવોર્ડનો ઇતિહાસ જોઈએ તો, તેની શરૂઆત 1954માં થઈ. શરૂઆતમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સિનેમાને પ્રોત્સાહિત કરવાનો અને અલગ-અલગ ભાષાઓની શ્રેષ્ઠ ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવાનો હતો. તે સમયે તેને 'સ્ટેટ એવોર્ડ્સ ફોર ફિલ્મ્સ' (State Awards for Films) કહેવામાં આવતો હતો. પ્રથમ વખત આ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ (1954)માં બેસ્ટ ફીચર ફિલ્મ (પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ): શ્યામચી આઈ (Shyamchi Aai) - મરાઠી ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ: મહાત્મા ગાંધી, બેસ્ટ બાળકોની ફિલ્મ: જાગૃતિ. શરૂઆતમાં આ પુરસ્કાર ફક્ત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી અને શ્રેષ્ઠ બાળકોની ફિલ્મ માટે આપવામાં આવતો હતો. જોકે, સમય જતાં તેમાં દેશભરની અલગ-અલગ ભાષાઓની ફિલ્મો માટે કેટેગરી ઉમેરવામાં આવી. 1968માં તેનું નામ બદલીને 'નેશનલ ફિલ્મ એવોર્ડ્સ' કરવામાં આવ્યું.