સત્ય. સાહસ. સંકલ્પ.

72મો નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહ પહેલીવાર ગુજરાતના કેવડિયામાં, મહારાષ્ટ્રના નેતાઓનો વિરોધ

72મો નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહ પહેલીવાર ગુજરાતના કેવડિયામાં, મહારાષ્ટ્રના નેતાઓનો વિરોધ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 72 વર્ષમાં પહેલીવાર દિલ્હીની બહાર યોજાવાનો છે. આ વખતે તે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર (કેવડિયા) ખાતે રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સામે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'આખરે સ્થળ બદલવાની જરૂર કેમ પડી? દેશની આર્થિક રાજધાની મુંબઈનું મહત્ત્વ ઓછું કર્યા પછી, શું હવે દેશની રાજધાની દિલ્હીનું મહત્ત્વ પણ ધીમે ધીમે ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે?' તેમણે પ્રશ્ન કર્યો કે, જો સ્થળ બદલવું જ હતું તો મુંબઈ કેમ નહીં? દાદાસાહેબ ફાળકેએ ભારતીય સિનેમાનો પાયો મહારાષ્ટ્રમાં નાખ્યો હતો. તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ મોટા પાયે ફિલ્મો બને છે, તો પછી ગુજરાતને જ કેમ પસંદ કરવામાં આવ્યું?

રાજ ઠાકરેએ માત્ર ફિલ્મ પુરસ્કાર જ નહીં, પણ કોમનવેલ્થ રમતોત્સવ અને 2023 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન પણ ગુજરાતમાં રાખવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, 72 વર્ષથી ચાલી આવતી પરંપરા તોડવાની જરૂર કેમ પડી? અમેરિકામાં ઓસ્કાર હંમેશા લોસ એન્જલસમાં જ યોજાય છે, ત્યાં ટ્રમ્પ, બુશ કે ઓબામા આવ્યા, પણ કોઈએ પુરસ્કાર સમારોહ પોતાના ગૃહ રાજ્યમાં લઈ જવાનો પ્રયાસ નહીં કર્યો.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે પણ આ નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, આ ગુજરાત સાથે જોડાયેલો કાર્યક્રમ નથી, પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે, તો તેનું સ્થાન ગુજરાત કેમ રાખવામાં આવ્યું? તેને રાજધાનીમાં જ રાખવો જોઈતો હતો, જેવું છેલ્લા ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે. તેમણે ફિલ્મ જગતના કલાકારોને આ સમારોહમાં ન જવા અને તેનો બહિષ્કાર કરવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો સમારોહ 23 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા હતા. હવે 72મા પુરસ્કારો માટે સ્થળ બદલવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમારોહ એકતા નગર ખાતે યોજાવાનો છે, જે દિલ્હીની બહાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું પ્રથમ આયોજન ગણાશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 23 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે. તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને ત્યારબાદ પાદરામાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં ભાગ લેશે. આ જ પ્રવાસમાં તેમના એકતા નગર જવાની પણ સંભાવના છે, જ્યાં તેઓ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રદાન કરી શકે છે.

એકતા નગર ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે અને અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહને અહીં યોજવાથી તેને ગુજરાતના મુખ્ય પર્યટન અને રાષ્ટ્રીય એકતા સાથે જોડાયેલા સ્થળ સાથે સંકળવાનો સંદેશ જાય છે.