સત્ય. સાહસ. સંકલ્પ.

72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: એકતાનગરમાં ફિલ્મ સિતારાઓનું આગમન શરૂ

72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ: એકતાનગરમાં ફિલ્મ સિતારાઓનું આગમન શરૂ

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓનું આગમન શરૂ થઈ ગયું છે. આ સમારોહ 22 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.

સમારોહ માટે અભિનેતા કાર્તિક આર્યન, રણદીપ હુડા અને યામી ગૌતમ સહિતના કલાકારો એકતાનગર પહોંચી ગયા છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર મામૂટી પણ અન્ય જાણીતી હસ્તીઓ સાથે પહોંચ્યા છે. આ વર્ષે મામૂટી અને કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સંયુક્ત રીતે મળ્યો છે, જ્યારે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જાહેર થયો છે.

એકતાનગર પહોંચેલા મહેમાનોનું રમાડા હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પહાર, આરતી અને તિલક સહિતની પરંપરાગત વ્યવસ્થા સાથે મહેમાનોનું સ્વાગત થયું, જેનાથી હોટલ પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમારોહ માટે સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે. મહેમાનોની સુરક્ષા, આગમનથી લઈને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જરૂરી વ્યવસ્થાની જવાબદારી વહીવટી તંત્ર સંભાળી રહ્યું છે.

આ વર્ષે 2024 દરમિયાન ભારતીય સિનેમામાં થયેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન પ્રથમ વખત દિલ્હીની બહાર એકતાનગરમાં થઈ રહ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ સમારોહને દેશના વિવિધ ભાગોમાં લઈ જવાની પહેલ અંતર્ગત ગુજરાતમાં યોજવાનો નિર્ણય કર્યો છે.

વર્ષ 1954માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થયા બાદ પ્રથમ વખત નવી દિલ્હી બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. સમારોહની પૂર્વ તૈયારીઓ અને વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા માટે એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી.