રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઇતિહાસમાં આ વખતે એક નવો અધ્યાય જોવા મળશે. 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સનો સમારોહ પહેલીવાર નવી દિલ્હીની બહાર યોજાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માટે ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના 23 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસ દરમિયાન પુરસ્કારો પ્રદાન કરવામાં આવે તેવી સંભાવના છે.
સામાન્ય રીતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નવી દિલ્હીમાં યોજાતો આવ્યો છે. ગયા વર્ષે 71મા પુરસ્કારોનો સમારોહ 23 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. હવે 72મા સમારોહને દિલ્હીની બહાર લઈ જવાનો નિર્ણય થયો છે, જેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઇતિહાસમાં પહેલું દિલ્હી બહારનું આયોજન ગણાવાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ મુર્મુનો 23 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ સૂચિત છે. તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે અને ત્યારબાદ પાદરામાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ જ પ્રવાસ દરમિયાન તેઓ એકતા નગર જઈ શકે છે, જ્યાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રદાન કરી શકાય.
એકતા નગર ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે અને અહીં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણ છે. સમારોહને આ સ્થળ સાથે જોડવાથી રાષ્ટ્રીય એકતા અને પર્યટનનો સંદેશ જશે. નોંધનીય છે કે, તાજેતરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આનંદ એલ રાયની ડોક્યુમેન્ટરી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનું પ્રતીક'ને પણ સન્માન મળ્યું છે, જે આ સ્ટેચ્યુ અને કેવડિયાના વિકાસ પર આધારિત છે.
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત 18 જુલાઈ 2026ના રોજ થઈ ચૂકી છે. આમાં 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત કરવામાં આવી છે, જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મમ્મૂટી (બ્રહ્મયુગમ)ને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને પણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.