સત્ય. સાહસ. સંકલ્પ.

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતના એકતા નગરમાં યોજાશે

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતના એકતા નગરમાં યોજાશે

નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઇતિહાસમાં પહેલીવાર આ સમારોહ રાજધાની નવી દિલ્હીની બહાર યોજાશે. અધિકારીઓએ જણાવ્યું કે આ વખતે 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સનો કાર્યક્રમ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર (કેવડિયા) ખાતે યોજાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કરશે તેવી સંભાવના છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો 23 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ સૂચિત છે. તેઓ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે અને ત્યારબાદ પાદરામાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં હાજરી આપશે. એવી શક્યતા છે કે તેઓ તે જ દિવસે એકતા નગરની મુલાકાત લઈને પુરસ્કાર વિતરણ કરે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે ગુજરાતના એકતા નગરની પસંદગી શા માટે કરવામાં આવી તે અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થળ રાષ્ટ્રીય એકતા અને પર્યટન સાથે સંકળાયેલું છે. તાજેતરમાં જ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આનંદ એલ રાય દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનું પ્રતીક’ને પણ સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયાના વિકાસને આવરી લે છે.

ઉલ્લેખનીય છે કે, 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત 18 જુલાઈએ થઈ ચૂકી છે. ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે, જ્યારે યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી અને કાર્તિક આર્યન તથા મમ્મૂટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને પણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.