સત્ય. સાહસ. સંકલ્પ.

છોટાઉદેપુરની નસવાડી પંચાયતમાં અવિશ્વાસ મતદાન દરમિયાન પથ્થરમારો, ચૂંટણી અધિકારી બંધક

છોટાઉદેપુરની નસવાડી પંચાયતમાં અવિશ્વાસ મતદાન દરમિયાન પથ્થરમારો, ચૂંટણી અધિકારી બંધક

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ મેહુલકુમાર તડવી સામે પંચાયતના 12 સભ્યોએ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન માટે શુક્રવારે (4 નવેમ્બર) ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભારે તંગદિલી સર્જાઈ હતી અને હોબાળાનું રૂપ લીધું હતું.

મળતી માહિતી અનુસાર બેઠકમાં આવેલા સભ્યોની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આશરે 200 જેટલા લોકો હથિયારો સાથે ગ્રામ પંચાયત કચેરીમાં ઘૂસી આવ્યા હોવાનું સામે આવ્યું છે. મતદાન પ્રક્રિયા હાથ ધરવા આવેલા ચૂંટણી અધિકારીને પણ વિરોધ દરમિયાન એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ વિવાદનું મુખ્ય કારણ પંચાયતને મળેલી નાણાંકીય ગ્રાન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે પંચાયતને રૂ. 3 કરોડથી વધુની વિકાસ ગ્રાન્ટ અને નાણાં પંચની રૂ. 1 કરોડની ગ્રાન્ટ મળી હતી. આ ગ્રાન્ટનો વપરાશ તેમજ વિકાસ કાર્યોના આયોજન મુદ્દે સરપંચ અને સભ્યો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. સભ્યોનો આક્ષેપ હતો કે સરપંચ મનસ્વી રીતે કામ કરે છે, જ્યારે સરપંચે જણાવ્યું હતું કે તેઓ કોઈ ખોટું કામ થવા દેશે નહીં.

આ બેઠક પહેલાં ભાજપના મોવડી મંડળ દ્વારા સભ્યોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને સભ્યો અજ્ઞાત સ્થળે જતા રહ્યા હતા. આથી બેઠકના દિવસે પંચાયત કચેરી ખાતે આ હિંસક બબાલ સર્જાઈ હતી.