સત્ય. સાહસ. સંકલ્પ.

નસવાડી ગ્રામ પંચાયતમાં વિખવાદ: સભ્યના પતિએ કચેરીને તાળું મારતા સરપંચ અને અરજદારો અંદર ફસાયા

નસવાડી ગ્રામ પંચાયતમાં વિખવાદ: સભ્યના પતિએ કચેરીને તાળું મારતા સરપંચ અને અરજદારો અંદર ફસાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં આંતરિક વિખવાદે ગ્રામજનોને હેરાન કર્યા છે. પંચાયતના સભ્યના પતિએ કચેરીને બહારથી તાળું મારી દેતાં સરપંચ, તલાટી કમ મંત્રી અને કામ અર્થે આવેલા અરજદારો અંદર ફસાઈ ગયા હતા.

આ ઘટના ૪ નવેમ્બરના રોજ બની હતી, જ્યારે સરપંચ મેહુલ તડવી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મીટિંગ યોજાનારી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તે દિવસે સરપંચે પોતાની ખુરશી બચાવવા માટે પંચાયત કચેરીને બહારથી તાળું મારી દીધું હતું, જેમાં ત્રણ સભ્યો, બેઠક અધિકારી અને તલાટી કમ મંત્રી અંદર બંધ થઈ ગયા હતા. બાદમાં તાળું કાપીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અગાઉની ઘટનાનો બદલો લેવા માટે સભ્યના પતિ ધર્મેશ ભરવાડે હવે પંચાયત કચેરીને બહારથી તાળું મારી દીધું. તેમણે કહ્યું, 'અગાઉ સરપંચે મારી પત્નીને પંચાયતમાં પૂરી દીધી હતી, તેથી મેં આજે તાળું મારીને બદલો વાળ્યો છે.' તેમણે વધુમાં જણાવ્યું કે, '૪ નવેમ્બરે અમારા અવિશ્વાસની તારીખ હતી, તે વખતે અમારી ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને સળગાવવાની ધમકી આપવામાં આવી હતી. મારી પત્ની અને અન્ય સભ્યો પંચાયતમાં હતા ત્યારે સરપંચે તાળું માર્યું હતું. અમે ઘણી જગ્યાએ ફરિયાદ કરી, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આથી મેં પણ તાળું મારીને ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો છે.'

આ ઘટનાથી પંચાયતમાં કામ અર્થે આવેલા અરજદાર યાસીન મેમણને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, 'હું ઘરવેરો ભરવા આવ્યો હતો, ત્યારે તલાટીએ મને અંદર બોલાવ્યો. અચાનક કોણે તાળું માર્યું તે ખબર નથી. પંચાયતના આંતરિક ઝઘડા સાથે અમારો કોઈ સંબંધ નથી, છતાં અમને પણ અંદર પૂરી દેવાયા. હવે અમને બહાર કાઢો.'

ઉલ્લેખનીય છે કે, નસવાડી જૂથ ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી છે. અવિશ્વાસની દરખાસ્ત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ આપવામાં આવી હતી અને ૪ નવેમ્બરે મીટિંગ યોજાનારી હતી. તે સમયે સરપંચે કચેરીને તાળું મારી દેતાં મીટિંગ થઈ શકી નહોતી. સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી અને સરપંચ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ જગાવ્યો છે.