છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગ્રામસેવકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાનથી તાલુકાના 9 ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની માંગણીઓ રજૂ કરી છે.
નસવાડી તાલુકામાં 212 ગામો છે, પરંતુ ત્યાં ફક્ત 9 ગ્રામસેવકો ફરજ બજાવી રહ્યા છે. આને કારણે દરેક ગ્રામસેવક પર ઘણા ગામોની જવાબદારી છે, જેના કારણે કામગીરીમાં ભારે તકલીફ પડી રહી છે.
ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓમાં પ્રમોશન પ્રક્રિયા ફરી શરૂ કરવી, ગ્રેડ-પે 4200 કરવો અને ઓનલાઇન કામગીરી માટે યોગ્ય સાધનો કે વેતન આપવાનો સમાવેશ થાય છે. ગ્રામસેવક વિજય તડવીએ જણાવ્યું કે, 'અમારી માંગ છે કે એક ગ્રામસેવકને એકથી બે ગામ સોંપવામાં આવે, જેથી ગ્રામજનોને વધુ સારી સેવા મળી શકે.'
જો સરકાર આ માંગણીઓ સ્વીકારશે નહીં, તો ગ્રામસેવકો સરકારી વોટ્સએપ ગ્રૂપ છોડી દેશે, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે અને અનિશ્ચિત સમય માટે હડતાળ પર જશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.