છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની સૌથી મોટી નદી ગણાતી અશ્વિન નદી આ વર્ષે ભર શિયાળામાં સૂકી થઈ ગઈ છે. નદી કિનારે વસેલાં 100થી વધુ ગામોના ખેડૂતો અને ગ્રામજનો ચિંતામાં છે. ઓછા વરસાદને કારણે નદીમાં પાણી રહ્યું નથી.
આ નદીનું પાણી અગાઉ સિંચાઈ માટે અને પશુઓની તરસ છીપાવવા માટે કામ લાગતું હતું. હવે નદી સૂકી થતાં બંને કામો મુશ્કેલ બન્યાં છે. બીજી તરફ, આ વિસ્તારમાં નર્મદા નહેરનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. પરિણામે ખેડૂતો સામે સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.
ખેડૂતોએ જણાવ્યું કે અગાઉ તેઓ નદીમાંથી એન્જિન મારફતે પાણી ખેંચીને શિયાળુ પાકનું વાવેતર કરતા હતા. હવે નદીમાં પાણી જ ન હોવાથી શિયાળુ ખેતી મુશ્કેલ બની છે. બોરવેલમાં પણ પાણી ઘટી જતાં તે ડચકાં ખાઈ રહ્યા છે.
સ્થાનિક લોકોએ કહ્યું કે ચોમાસા દરમિયાન અશ્વિન નદી બે કાંઠે વહેતી હોય છે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે તંત્ર યોગ્ય આયોજન કરે તો આ પરિસ્થિતિ ઊભી ન થાય. ખેડૂતોએ અનેક વખત નદી પર ચેકડેમ બનાવવાની રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
લોકોની માંગ છે કે સરકાર નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતોને નર્મદા નહેરમાંથી સિંચાઈનું પાણી મળે તેવી વ્યવસ્થા કરે. હાલમાં તાલુકાના 100થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે.
ખેતી પર નિર્ભર અનેક પરિવારોને રોજગારી માટે પોતાનાં ગામ છોડીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મજૂરી કરવા જવું પડી રહ્યું છે. વિસ્તારમાં રોજગારીની બીજી કોઈ ખાસ તક ન હોવાથી લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે પૂર્વ વિપક્ષના નેતાએ જણાવ્યું કે અશ્વિન નદી પર ચેકડેમ બનાવવાની માંગણી અગાઉ અનેક વખત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, પરંતુ સરકાર તરફથી માત્ર કાગળ પર જ વાતો થાય છે. સમયસર ચેકડેમ બન્યા હોત અને ચોમાસામાં નદીનું પાણી સંગ્રહિત થયું હોત તો આજે આ વિસ્તારના લોકોને આવી સ્થિતિનો સામનો ન કરવો પડતો.
આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો આદિવાસી વિસ્તારના ગામોમાં પીવાના પાણીની કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોની મુશ્કેલી વધુ વધી શકે છે.